ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ
Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ ડોલર અને રૂપિયો નબળો પડતાં કિંમતી ધાતુના ભાવમાં તેજી આવી છે. સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સર્વોચ્ચ ટોચે નોંધાયા હતા.
અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ
અમદાવાદમાં આજે સોનું ફરી નવી ટોચે પહોંચ્યું હતું. સોનાનો ભાવ રૂ. 800 વધી રૂ. 104600 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જે અગાઉ શનિવારે રૂ. 103800 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી પણ રૂ. 1000 ઉછળી રૂ. 1,18,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ આજે તેજી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહની ટોચે
વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડતાં તેમજ ફુગાવો વધવાની વકી વચ્ચે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી નોંધાઈ હતી. સ્પોટ ગોલ્ડ આજે 0.1 ટકા ઉછળી 3399.60 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ક્વોટ થઈ રહ્યું હતું. જે ઈન્ટ્રા ડે 3401.73 ડોલર પ્રતિ ઔંસની બે સપ્તાહની ટોચે પહોંચ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે
સોના-ચાંદીના ભાવમાં ઉછાળાના કારણો
- અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ પ્રતિબંધોના કારણે મોંઘવારી વધવાની ભીતિ
- ફેડ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા
- વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતાઓ
ઓગસ્ટમાં સોના કરતાં ચાંદી વધુ ઉછાળો
અમદાવાદ ચોક્સી મહાજનના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં અત્યારસુધીમાં સોનાનો ભાવ રૂ. 3200 પ્રતિ 10 ગ્રામ વધ્યો છે. જ્યારે ચાંદી રૂ. 6000 પ્રતિ કિગ્રા મોંઘી થઈ છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીમાં વધુ તેજી નોંધાય તેવી શક્યતા કોમોડિટી નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.