જીએસટી વધવાના ભણકારા વચ્ચે ગોલ્ડ જ્વેલરીની માંગમાં વીસ ટકા જેટલો વધારો
- લગ્નસરાની મોસમ અને ગોલ્ડના ભાવમાં આવેલા ઘટાડાને કારણે પણ માગમાં વૃદ્ધિ જોવાઈ
મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર
ગોલ્ડના ભાવ હાલમાં બે મહિનાની નીચી સપાટીએ બોલાઈ રહ્યા છે ત્યારે જ્વેલરી માટેની માગમાં છેલ્લા કેટલાક દિવસમાં વીસ ટકા જેટલો વધારો થયો છે. આવતા સપ્તાહે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જ્વેલરી પરના દરમાં વધારો થવાની શકયતા જોવાઈ રહી છે.
સપ્ટેમ્બરમાં દસ ગ્રામ દીઠ રૃપિયા ૩૯૦૦૦થી વધુની સપાટીએ પહોંચ્યા બાદ ગોલ્ડના ભાવમાં સાડાત્રણ ટકા જેટલું કરેકશન આવ્યું છે. વૈશ્વિક ભાવોને પગલે આ કરેકશન આવ્યું છે. ગોલ્ડની વૈશ્વિક ભાવમાં પણ પાંચથી ૬ ટકાનો ઘટાડો જોવાયો છે.
ઘરઆંગણે ગોલ્ડના ભાવમાં ઘટાડો થતાં જ્વેલરી માટેની માગમાં સુધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ્વેલરીની માગમાં ૧૮થી ૨૦ ટકા વધારો થયાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
ગોલ્ડના ઊંચા ભાવને પરિણામે ભારતની જ્વેલરી માગ આ વર્ષના પ્રારંભથી નબળી રહી હતી. જુલાઈથી ગોલ્ડના ભાવ ભારે ઊંચકાયા હતા જેને કારણે જ્વેલરી ખરીદવા માગતાઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. જો કે હાલમાં માગમાં થયેલા વધારા માટે લગ્નસરાની મોસમને પણ કારણભૂત ગણાવાઈ રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે વર્તમાન વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં જ્વેલરીની માગ વાર્ષિક ધોરણે ૩૨ ટકા ઘટીને ૧૦૧.૬૦ ટન્સ રહી હતી જે ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૪૮.૮૦ ટન્સ રહી હતી. ૨૦૧૯ના જાન્યુઆરાથી સપ્ટેમ્બરના ગાળામાં જ્વેલરી માગ ૫.૩૦ ટકા ઘટી ૩૯૫.૬૦ ટન્સ રહી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૪૧૭.૯૦ ટન્સ રહી હતી.
ગોલ્ડના ભાવમાં વધુ ઘટાડા સાથે જ્વેલરીની માગમાં વધારો થવાની સંભાવના નકારી શકાતી નથી એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
જ્વેલરી પર હાલમાં ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે તે વધારીને પાંચ ટકા કરવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું બજારમા ંચર્ચાઈ રહ્યું છે. હાલમાં ગોલ્ડની આયાત પર ૧૨.૫૦ ટકા ઈમ્પોર્ટ ડયૂટી લાગુ કરવામાં આવે છે.