સોનાનો ભાવ રેકોર્ડ 128000 ની ટોચે, ચાંદી બે દિવસમાં 10000ના વધારા સાથે 170000 ની ટોચે

Gold and Silver : સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી આગળ વધી હતી તથા નવા ઊંચા ભાવ દિવાળી પૂર્વે જોવા મળતાં ઝવેરીઓ અવાક બની ગયા હતા. વિશ્વબજારમાં આગેકૂચના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઊકળતો રહ્યો હતો.અમદાવાદ સોના ચાંદી બજારમાં બે દિવસમાં ચાંદી રૂ.10000 વધી જતાં આજે ચાંદીમાં રૂ.170000નો નવો રેકોર્ડ સર્જાયો હતો.ચાંદી પાછળ સોનું પણ આજે વધીને રૂ.128000 પહોંચતા નવો રેકોર્ડ સર્જાયો હતો.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.10 હજાર વધી જતાં બજારના ખેલાડીઓમાં ખાસ્સી ચકચાર જાગી હતી. ચાંદીના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.20 હજાર વધ્યા છે તથા સોનાના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.5500 વધી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આજે અમદાવાદ ચાંદી રૂ.170000 તથા સોનું (99.9) રૂ.128000 અને સોનું (99.5) રૂ.127000ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતા.
બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજાર ભાવ હાલ ખાસ્સા ઉંચા રહેતાં આશ્ચર્ય પણ બતાવાઈ રહ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1500 ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.5000 ઉછળ્યા હતા.બજારમાં રોજેરોજ વા રેકોર્ડ સર્જાતાં હવે દિવાળીની માગને અસર પડવાની ભીતી પણ જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના શુક્રવારે નીચામાં 3983 થી 3984 ડોલર થયા હતા તે ફરી વધી સપ્તાહના અંતે 4017થી 4018 ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ 49.95 વાળા વધી છેલ્લે 50.15 ડોલર રહ્યા હતા.
વિશ્વબજારના સમાચાર મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થતાં તથા તેના પગલે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ગબડતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી દાખલ થયા હતા.
ચીને રેટઅર્થ ગણાતી ધાતુઓની નિકાસ પર અંકુશો મુકતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે તથા તેમણે ચીન પર વધુ આકરી ટેરીફ લાદવાની જાહેરાત કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચામાં 99.43 થયા પછી નીચામાં તૂટી 98.81 થઈ છેલ્લે 98.85 રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ ઝવેરી બજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે આજે સોનાના ભાવ જીએસટી વગર 995 ના રૂ.121038 વાળા રૂ.122450 રહ્યા હતા જ્યારે 999પણ બતાવતો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.88.69 વાળા રૂ.88.76 થી 88.77 બોલાઈ રહ્યા હતા.
ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં જોકે વિશ્વબજારમાં પ્લેટીનમ, કોપર તથા પેલેડીયમના ભાવમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો હતો તથા ક્રૂડતેલના ભાવ પણ ગબડયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના 64.34 વાળા તૂટી 62 થઈ 62.73 ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના 1469 વાળા 1405 ડોલર તથા પ્લેટીનમના ભાવ 1643 વાળા ગબડી છેલ્લે 1597 ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઘટી 58.22 થઈ 58.89 ડોલર છેલ્લે રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીમાં આવી તેજી છેલ્લે 1980 માં જોવા મળી હતી જ્યારે હન્ટ બ્રદર્શ દ્વારા ચાંદી કરોનર કરી ખેલો કરવામાં આવ્યો હતો. ચાંદીના ઈટીએફમાં રોકાણનો ઈન્ફલો આ વર્ષે સોનાના ઈન્ફલોની સરખામણીએ ત્રણ ગણો વધુ આવ્યાના વાવડ હતા.
સોનામાં વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની ખરીદી પણ વધી છે. ઘરઆંગણે હવે ઝવેરીબજારોની નજર દિવાળી તથા ધનતેરસ પર રહી છે. ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં અમેરિકાના શેરબજારો તૂટયા હતા તથા સોનામાં તેજી આવી હતી.