Get The App

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ

- ક્રૂડ ઉછળતાં સોનાની તેજીને વેગ મળ્યો : વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ૩૬૦૦ ડોલર કુદાવી જતાં નવો વિક્રમ

- પાકિસ્તાનમાં ત્યાંના રૂપિયાના સંદર્ભમાં સોનું વધી રૂ.૩ લાખ ૨૬ હજાર બોલાયું હોવાના નિર્દેશો

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ 1 - image


અમદાવાદ, મુંબઈ : અમદાવાદ તેમજ મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવી ઉંચી સપાટી દેખાઈ હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવતા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ ોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઐતિહાસિક તેજી ઝડપથી આગળ વધી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૧૧૭૦૦ તથા ૯૯ના ભાવ રૂ.૧૧૨૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ આજે વધુ રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧ લાખ ૨૬ હજાર બોલાતાં નવો વિક્રમ સર્જાયો હતો.

 વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૫૮૭ ડોલરવાળા વધુ વધી ઉંચામાં ૩૬૦૦ ડોલરની સપાટી કુદાવી ભાવ ૩૬૨૨થી ૩૬૩૩ થઈ ૩૬૧૭થી ૩૬૧૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતું જોવા મળ્યું હતું.

દરમિયાન સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૧ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૧.૩૪થી ૪૧.૩૫ થઈ ૪૧.૨૨થી ૪૧.૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૪૦૭થી ૧૪૦૮ થઈ ૧૩૯૬થી ૧૩૯૭ ડોલર રહ્યા હતા.

 પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૧૩૬ થઈ ૧૧૩૩થી ૧૧૩૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૦૫૯૧૨ વાળા ઉછળી રૂ.૧૦૭૬૦૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૦૬૩૩૮ વાળા વધી રૂ.૧૦૮૦૩૮ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૨૩૧૭૦ વાળા વધી રૂ.૧૨૪૪૧૩ રહ્યા હતા.

મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ઝવેરીબજારમાં કિંમતી ધાતુઓના ભાવ તહેવારો ટાંણે નવી ઉંચી સપાટીને આંબી જતાં બજારમાં મોસમી માગને અસર પડી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૦.૨૫ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે પોઝીટીવ જોવા મળી હતી.

 બ્રેન્ટક્રૂડ તેલના ભાવ બેરલના વધી ઉંચામાં ૬૬.૯૩ થઈ ૬૬.૮૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૩.૨૪ થઈ ૬૩.૧૦ ડોલર રહ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા હવે પછી ઉત્પાદનમાં વૃધ્ધિની ગતી ધીમી પાડવામાં આવશે એવા સંકેતો વહેતા થતાં વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ઉંચકાયા હતા. પાકિસ્તાનમાં સોનાના એક ગ્રામના ભાવ વધી આજે પાકિસ્તાનના રૂપિયાના સંદર્ભમાં રૂ.૩૨૬૧૦ તથા ૧૦ ગ્રામના ભાવ વધી રૂ.૩ લાખ ૨૬ હજાર પાકિસ્તાની રૂપિયામાં બોલાયા હતા. ભારતમાં રૂ.૧૦૦ બરોબર પાકિસ્તાનના રૂ.૩૨૦ થાય છે.

Tags :