Get The App

સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી

- ઓપેકના દેશોએ ઉત્પાદન વૃધ્ધિના સંકેતો આપતાં ક્રુડતેલમાં પીછેહટ વચ્ચે યુએસ ક્રુડના ભાવ ૬૦ ડોલરની અંદર ઉતર્યા

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ વધુ ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. નવી માગ પણ ધીમી રહેતાં બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.

 વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૯૯થી ૩૩૦૦ વાળા નીચામાં ૩૨૭૧ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૨૮૯થી ૩૨૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૭૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૨૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૨૭થી ૩૩.૨૮ વાળા નીચામાં ૩૨.૭૬ થઈ છેલ્લે ભાવ ૩૨.૯૮થી ૩૨.૯૯ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. ડોલરનો વૈશ્ક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૬૭ તથા નીચામાં ૯૯.૧૩ થઈ છેલ્લે ૯૯.૪૨ રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી નીકળી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૬૧ વાળા રૂ.૮૫.૫૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૫૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૭૫ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૪૯૭૩ વાળા રૂ.૯૪૮૫૦ તથા ૯૯૯ના રૂ.૯૫૩૫૫ વાળા રૂ.૯૫૨૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૪૫૮ વાળા રૂ.૯૬૮૨૫ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ નરમ હતા. ઓપેકના દેશોએ ઉત્પાદનમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવા નિર્ણય કર્યાના વાવડ હતા.

બ્રેન્ટક્રુડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૦૯ થયા પછી નીચામાં ભાવ ૬૨.૦૯ થઈ છેલ્લે ભાવ ૬૨.૭૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ નીચામાં ૫૯.૭૪ થઈ છેલ્લે ભાવ ૬૦.૭૯ ડોલર રહ્યા હતા.


Tags :