ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર

- નવેમ્બરના અંતે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની એયુએમ પાંચ મહિનામાં બમણાથી પણ વધી ગઈ
- ઊંચા ભાવને પગલે સોનાચાંદી ઈટીએફસમાં રોકાણકારોના રસમાં વધારો
મુંબઈ : સોનાચાંદીના ભાવમાં જોરદાર વધારાને પરિણામે અને એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રેકોર્ડ ઈન્ફલોસને પગલે છેલ્લા છ મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડો પાસે સોના તથા ચાંદીનું હોલ્ડિંગ બમણાથી પણ વધુ થઈ ગયું છે.
વર્તમાન વર્ષના નવેમ્બરના અંતે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની સંયુકત એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૧.૬૦ ટ્રિલિયન રહી હતી જે મેમાં રૂપિયા ૭૯૩૧૯ કરોડની સરખામણીએ બમણાથી પણ વધુ છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસની ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.
ગોલ્ડ ઈટીએફસની એયુએમ રૂપિયા એક લાખ કરોડ (એક ટ્રિલિયન)ને પાર કરી ગઈ છે.
સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડના ઈન્ફલોસ બાદ ગયા મહિને ઈટીએફસમાં આ આંક રૂપિયા ૬૦૦૦ કરોડ રહ્યાનો અંદાજ છે. ગોલ્ડ ઈટીએફસમાં ફોલિઓની સંખ્યા વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ૫૦ ટકા વધી છે જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ સંખ્યામાં ચાર ગણો વધારો થયો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
છેલ્લા દસ મહિનામાં ગોલ્ડ ઈટીએફસનો ઈન્ફલો ૨૦૨૦-૨૦૨૪ના પાંચ વર્ષના ગાળામાં થયેલા નેટ ઈન્ફલો કરતા પણ વધુ રહ્યો છે.
ઊંચા ભાવને પગલે સિલ્વર તથા ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.
હાલની ભૌગોલિકરાજકીય તાણ, વ્યાજ દરમાં કપાતની અપેક્ષા તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક રોકાણકારો સોનાચાંદીમાં રોકાણને પ્રાધાન્યતા આપી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
માત્ર રિટેલ રોકાણકારો જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વિશ્વની કેન્દ્રીય બેન્કો દ્વારા પણ હેજિંગ તરીકે હાજર સોનામાં રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા ૨૨૦ ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી જે બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૨૮ ટકા વધુ હતી.
વર્તમાન વર્ષના ત્રીજા ત્રિમાસિક (સપ્ટેમ્બર કવાર્ટર્સ)માં સોનાની ખરીદીનો આંક વાર્ષિક ધોરણે ૧૦ ટકા ઊંચો રહ્યો હતો. ૨૦૨૪ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વૈશ્વિક કેન્દ્રીય બેન્કોએ ૧૯૯ ટન સોનુ ખરીદ કર્યું હતું.તાજેતરમાં સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળા માટે કેન્દ્રીય બેન્કોની ખરીદી પણ કારણભૂત રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

