Get The App

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના

- ડયુટી વધતા ઊંચા ભાવને પરિણામે સોનાની દાણચોરીમાં વધારો થવાનું ઊભું થયેલું જોખમ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
ઊચી આયાત ડયુટીને પગલે  સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના 1 - image

મુંબઈ : સોના, ચાંદી તથા પ્લેટિનમ પર કસ્ટમ્સ ડયૂટી વધારવાના સરકારના નિર્ણયને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં સોનાની માગમાં ૧૦ ટકા જેટલો ઘટાડો જોવા મળવાની ધારણાં રાખવામાં આવે છે. 

વર્તમાન નાણાં વર્ષમાં જ્વેલરી માગમાં ૫-૭ ટકા જ્યારે એકંદર માગ ૧૦ ટકા જેટલી ઘટવાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા)ના  મહામંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

સોનાચાંદીની વધી રહેલી આયાત પર અંકૂશ લાવીને આયાત બિલ ઘટાડવાના હેતુ સાથે સરકારે સોનાચાંદી પરની આયાત ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરી છે. 

ઊંચા આયાત બિલને કારણે દેશના ફોરેકસ રિઝર્વ પર દબાણ આવી રહ્યું છે જેની અસર ડોલર સામે રૂપિયાના વિનિમય દર પર જોવા મળી છે. ડોલર સામે રૂપિયા તૂટી ૯૫થી ઉપર સાથે ઓલટાઈમ લો પહોંચી ગયો છે.

ઊંચી આયાત ડયૂટીને કારણે દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થવાની શકયતા નકારાતી નથી. ગેરકાયદે આયાતને પ્રોત્સાહન મળશે એમ પણ મહેતાએ વધુમાં જણાવ્યું હતું.

આયાત અંકૂશથી રૂપિયા તથા ફોરેકસ રિઝર્વમાં કદાચ વધારો થશે પરંતુ સોનાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ગોલ્ડ લોન માટેની માગમાં ઉછાળો આવી શકે છે.

ભારતના એકંદર આયાત બિલમાં સોનાનો હિસ્સો નવ ટકા જેટલો રહે છે. આયાત ડયૂટી વધારવાથી સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે. આયાત ડયૂટી વધારવાનો નિર્ણય ૧૩મી મેથી જ લાગુ કરી દેવાયો છે.

ઊંચી ડયૂટીને કારણે ઘરઆંગણે સોનાના ભાવમાં વધારો થશે અને માગ નબળી પડશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ગ્રાહકો હવે ઓછા કેરેટના સોનાની ખરીદી કરવા તરફ વળશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ઈમ્પોર્ટ ડયૂટીમાં ૧ ટકાના વધારા સામે સોનાની  વાર્ષિક  માગમાં અંદાજે ૬.૪૦ ટન જેટલો ઘટાડો થાય છે. સરકારે ડયૂટીમાં ૯ ટકા વધારો કર્યો છે તેને જોતા સોનાની વાર્ષિક માગ ૫૭ ટન જેટલી ઘટવા ધારણાં છે. 

ભારતની સોનાની વાર્ષિક આયાત ૭૫૦થી ૮૦૦ ટન આસપાસ રહે છે.  ગત નાણાં વર્ષમાં  સોનાનું આયાત બિલ ૭૨ અબજ ડોલર રહ્યું હતું. ા