સોનામાં તેજી જ તેજી... 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ
- સોના-ચાંદીમાં નવા ભણકારા... ભાવો આસમાને...
- અમદાવાદ સોનામા રૂ. 1700નો તથા ચાંદીમાં રૂ. 3500નો તોતિંગ ઉછાળો : દિલ્હી સોનું પણ ઉછળીને રૂ. 1,16200ના નવા મથાળે
અમદાવાદ/ મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત મળવાની ધારણાંએ સોનાચાંદી સહિત કિંમતી ધાતુમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ધરખમ તેજી જોવા મળી હતી. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. ૧૭૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૧,૧૬,૦૦૦નો અને ચાંદીમાં રૂ. ૩૫૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૧,૩૬,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો.
વૈશ્વિક સ્તરે સોનામાં નવી વિક્રમી સપાટી જોવા મળી હતી જ્યારે ચાંદી ૧૪ વર્ષની ઊંચી સપાટીએ કવોટ થતી હતી. હાજર સોનાએ વિશ્વ બજારમાં ૩૭૦૦ ડોલરની સપાટી કુદાવી હતી જ્યારે ચાંદી ૪૩ ડોલર ક્રોસ કરી ગઈ હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ આકર્ષણ વધતા ભાવ ઊંચકાયા હતા.
મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૨,૧૫૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૧૫,૫૧૮ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ જીએસટી વગર રૂપિયા ૧૧૧૭૦૬ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૩૨,૮૬૯ મુકાતી હતી. જીએસટી સાથે રૂપિયા ૧,૩૬,૮૫૩ ગણાતી હતી.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૬,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૧૫,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૩૫૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનામાં પ્રતિ ઔંસ ૩૭૨૩ ડોલરની વિક્રમી ટોચ જોવા મળી હતી. ભાવમાં એક જ દિવસમાં ૩૮ ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી ઔંસ દીઠ ૪૩.૫૨ ડોલર સાથે ૧૪ વર્ષની ટોચે બોલાતી હતી.
ફેડરલ રિઝર્વના અધિકારીઓ વર્તમાન સપ્તાહમાં વ્યાજ દરમાં વધુ કપાત અંગેના સંકેતો આપશે તેવી ધારણાંએ સપ્તાહના તેમદ નવરાત્રિના પ્રથમ દિવસે જ સોનાચાંદીમાં તેજી આવી હતી. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ મંગળવારે પોતાનું મંતવ્ય આપનાર છે. વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજ દરમાં કપાત આવવાની બજાર અપેક્ષા રાખી રહ્યું છે. સોનાચાંદી પાછળ અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૧૩ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૭૭ ડોલર મુકાતુ હતું.
માગ નબળી પડવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૧.૯૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૬ડોલર મુકાતું હતું. બ્રેન્ટ નીચામાં ૬૫.૯૪ ડોલર જોવા મળ્યું હતું.