સોનામાં પીછેહટ જારી : ટેરીફ બદલાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો
- ભારતમાં અમેરિકા ખાતેથી ક્રૂડની આયાતમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ
- વૈશ્વિક સોનું ગબડી ૩૧૫૪ ડોલર બોલાયું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. ચાંદીમાં પણ બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા. દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના સમાચાર હતા તથા આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થતાં તેની અસર પણ બજાર પર વર્તાઈ રહી હતી.
આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામના ૧૦૬૪થી ઘટી ૧૦૨૮ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીમાં ૧૦૭૬થી ઘટી ૧૦૬૫ ડોલર કિલોદીઠ કરવામાં આવી છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૩૧૭૭ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૧૯૯૫ વાળા રૂ.૯૩૨૮૩ ખુલી રૂ.૯૧૯૩૧ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૨૩૬૫ વાળા રૂ.૯૩૬૫૮ ખુલી રૂ.૯૨૩૦૧ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએ સટી વગર રૂ.૯૪૫૭૨ વાળા રૂ.૯૫૫૮૮ ખુલી રૂ.૯૪૬૦૬ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૧.૯૮ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવ ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૫૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૯૮૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૭ તથા ઉંચામાં ૯૬૭ થઈ ૯૬૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૬ ટકા તૂટયા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધ્યું હતું. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૪.૩૧ વાળા ૬૫.૨૨ થઈ ૬૪.૮૫ ડોલર રહ્યા હતા. ભારતમાં અમેરિકા ખાતેથી ક્રૂડની આયાત વધતાં ભારતમાં હવે ક્રૂડની આયાતમાં યુએઈને પાછળ મૂકી અમેરિકા આગળ નિકળ્યું છે. આ ક્રમાંકમાં પ્રથમ નંબરે રશિયા તથા ત્યારબાદ ઈરાક તથા સાઉદી અરેબિયા અને ત્યારબાદ હવે ચોથા નંબરે અમેરિકા આવી ગયાના વાવડ મળ્યા હતા.