Get The App

સોનું રૂા. 1,03,500, ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે

- મુંબઈમાં ચાંદી જીએસટી સાથે રૂપિયા ૧,૨૦,૦૦૦ની નજીક જ્યારે સોનું ફરી રૂપિયા એક લાખને પાર :

- અભૂતપૂર્વ ઊંચા ભાવે પણ વૈશ્વિક રોકાણકારોની સતત સેફ હેવન ખરીદી જળવાઈ રહી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
સોનું રૂા. 1,03,500,  ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે 1 - image


મુંબઈ : વૈશ્વિક સ્તરે ટેરિફ  મુદ્દે હજૂપણ પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા તથા ઔદ્યોગિક અને  સેફ હેવન માગને પરિણામે સોનાચાંદીના વૈશ્વિક ભાવ બેલગામ   છે. ભાવમાં રોજ ઉછાળા સાથે નવા વિક્રમ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પર વ્યાજ દર ઘટાડવાના ટ્રમ્પના સતત દબાણને જોતા વ્યાજ દરમાં ઘટાડો આવવાની શકયતાએ ડોલરમાં નબળાઈ જોવા મળી રહી છે. જેને પરિણામે હેજ ફન્ડો ડોલર વેચી સોનાચાંદીમાં સતત ખરીદી કરી રહ્યાના અહેવાલો આવી રહ્યા છે.

આ ઉપરાંત ૧લી ઓગસ્ટની રેસિપ્રોકલ ટેરિફ ડેડલાઈનના પડછાયા હેઠળ પણ વૈશ્વિક રોકાણકારોની સલામત રોકાણ તરીકે સોનાચાંદીમાં ખરીદી જળવાઈ રહેતા ભાવને ટેકો મળી રહ્યો છે. જાપાન સાથે વેપાર કરાર કર્યા બાદ હવે અમેરિકા ભારત તથા ચીન સહિત બીજા અન્ય દેશો સાથે વેપાર કરાર કરવા વાટાઘાટ આગળ વધારવા યોજના ધરાવી  રહ્યું છે. વિશ્વ બજારમાં રેલી પાછળ ઘરઆંગણે અમદાવાદમાં સોનાચાંદીના ભાવે નવી વિક્રમી સપાટી બતાવી છે જ્યારે મુંબઈમાં ચાંદી જીએસટી સાથે રૂપિયા ૧,૨૦,૦૦૦ નજીક પહોંચી ગઈ છે. વિશ્વ બજારમાં ચાંદી  ઔંસ દીઠ ૩૯.૪૦ ડોલર જ્યારે સોનું પ્રતિ ઔંસ ૩૪૨૮ ડોલર મુકાતું હતું. માગ ઘટવાની ધારણાંએ ક્રુડ તેલમાં ભાવમાં નબળાઈ રહી હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનું પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૯૯૫૦૮વાળા ભાવ રૂપિયા ૧,૦૦,૫૩૩ પહોંચી ગયા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ જીએસટી વગર ભાવ ૧૦૦૧૩૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૫૮૫૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ રૂપિયા ૧,૨૦,૦૦૦ આસપાસ ગણાતા હતા. 

અમદાવાદ બજારમાં બન્ને કિંમતી ધાતુ સોનાચાંદીએ નવા વિક્રમી ભાવ દર્શાવ્યા છે. અમદાવાદ ચાંદી મંગળવારના બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૨૫૦૦ વધી રૂપિયા ૧૧૭૫૦૦ કવોટ થતા. સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૦૦ વધી રૂપિયા ૧૦૩૫૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ ઊંચકાઈને રૂપિયા ૧૦૩૨૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૩૪૩૮ ડોલર જઈ મોડી સાંજે ૩૪૨૩ ડોલર કવોટ થતું હતું. ચાંદી ઔંસ દીઠ ૩૯.૪૧ ડોલર આસપાસ બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ સાધારણ નરમ પડી ઔંસ દીઠ ૧૪૨૭ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૭૭ ડોલર ુપર સ્થિર રહ્યું હતું. બ્રિટનમાં રોયલ મિન્ટ દ્વારા જારી કરાયેલા સેલ્સ ડેટામાં જૂન ત્રિમાસિકમાં સોના, ચાંદી તથા પ્લેટિનમના ઓનલાઈન વેચાણમાં વિક્રમી સ્તર જોવાયું હતું. 

યુરોપ, ચીન તથા ભારત જેવા ક્રુડ તેલના મુખ્ય વપરાશકાર દેશો સાથે અમેરિકાની ટેરિફ વોરની લટકતી તલવાર વચ્ચે ક્રુડ તેલના વપરાશમાં ઘટાડો થવાની ધારણાંએ ભાવમાં નરમાઈ ચાલુ રહી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  પ્રતિ બેરલ ૬૪.૮૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૮.૦૬ ડોલર મુકાતુ હતું. 

Tags :