Updated: May 25th, 2023
વિશ્વ બજારમાં કિંમતી ધાતુ રેન્જ બાઉન્ડઃ ડોલર સામે રૂપિયાની આગેકૂચ જારી
મુંબઈ: અમેરિકામાં દેવાની ટોચમર્યાદા વધારવાની મુદત નજીક આવી રહી છે ત્યારે આ મુદ્દે પ્રવર્તતી સતત અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સોનાચાંદી છેલ્લા કેટલાક સમયથી રેન્જબાઉન્ડ રહ્યા કરે છે. રોકાણકારો પણ અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે અને ડોલર તથા સોના વચ્ચે ઝોલા ખાઈ રહ્યાનું જણાય છે. બુધવારે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો જોવાયો હતો અને ડોલર ઈન્ડેકસ પણ વધ્યો હતો. ઘરઆંગણે પણ કિંમતી ધાતુના ભાવ ઊંચકાયા હતા. ક્રુડ તેલમાં પૂરવઠા ખેંચ ઊભી થવાના ભયે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભાવ સતત સુધારા તરફી રહ્યા છે અને ઈન્ટ્રાડેમાં ઉછળીને ૭૮ ડોલરને પાર કરી ગયા હતા. ડોલર સામે રૂપિયામાં સુધારો આગળ ધપ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ વધી રૂપિયા ૬૦૬૮૦ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૦૪૩૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૧૧૨૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૬૨૬૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૨૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૩૦૦૦ મુકાતા હતા.
અમેરિકામાં દેવાની ટોચમર્યાદા વધારવાની ૧ જુનની મુદત નજીક આવી રહી હોવા છતાં આમુદ્દે હજુપણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી ફન્ડ મેનેજરો પણ અસમજંસમાં છે અને ડોલર તથા સોના વચ્ચે ઝોલા ખાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ મંગળવારની નીચી સપાટીએથી ફરી ઊંચકાઈને બુધવારે મોડી સાંજે ઔંસ દીઠ ૧૯૮૧ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૩.૪૭ ડોલર મુકાતી હતી. ડોલર ઈન્ડેકસ પણ ૧૦૩.૬૪ મજબૂત રહ્યો હતો. સામાન્ય રીતે ગોલ્ડ તથા ડોલર ઈન્ડેકસની ચાલ વિરુદ્ધ દિશામાં રહેતી હોય છે. પણ હાલમાં કંઈક અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે.
સાઉદીના ઊર્જા પ્રધાન દ્વારા ક્રુડ તેલના શોર્ટ સેલરોને સંભાળ રાખવાની અપાયેલી ચેતવણીથી ઓપેક દેશો ક્રુડ તેલના ઉત્પાદનમાં કદાચ વધુ કાપ મૂકશે તેવી સટોડિયાઓ ગણતરી મૂકી રહ્યા છે, જેને પરિણામે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને૭૮ ડોલરને પાર કરી ગયું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ વધી પ્રતિ બેરલ ૭૪.૦૭ ડોલર બોલાતું હતું જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ઈન્ટ્રાડેમાં ૭૮.૩૦ ડોલર અને ૭૭.૩૫ ડોલર થઈ મોડી સાંજે ૭૭.૯૦ ડોલર મુકાતુ હતું. અમેરિકામાં ગેસોલિનની ઈન્વેન્ટરી ઘટીરહ્યાના અહેવાલોએ પણ ક્રુડ તેલના ભાવને ટેકો મળ્યો હતો.
વૈશ્વિક કરન્સીઝ સામે રૂપિયાની મિશ્ર ચાલ રહી હતી. ડોલર સામે રૂપિયામાં વધુ સુધારો જોવાયો હતો. ડોલર ૧૪ પૈસા ઘટી ૮૨.૬૭ રૂપિયા, પાઉન્ડ ૩૯ પૈસા વધી ૧૦૨.૯૪ રૂપિયા તથા યુરો ૦૧પૈસાવધી ૮૯.૨૮ રૂપિયા રહ્યો હતો.