Get The App

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું

- મધ્ય પૂર્વમાં ફરી અશાંતિના વાતાવરણ વચ્ચે ક્રુડ તેલ ઊંચકાયુ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં પીછેહઠને પગલે સ્થાનિક સોનાચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાયા બાદ ડોલરમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ફન્ડ હાઉસો દ્વારા હાલમાં સોનામાં સેફ હેવન માગ ઘટી ગઈ છે અને ડોલરમાં રોકાણ તરફ વળ્યા છે.

બીજી બાજુ પૂરવઠાની ચિંતા અને માગની અપેક્ષા વચ્ચે વૈશ્વિક ક્રુડ તેલમાં સુધારાની ચાલ જોવા મળી હતી. ૫૦ ટકા ડયૂટી લાગુ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકામાં કોપરના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા હતા.

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૬૦૮૫ બોલાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૯૫૭૦૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ  રૂપિયા ૧૦૭૨૮૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૩૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૯૯૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦૭૫૦૦ બોલાતા હતા.

વિશ્વ બજારમાં ડોલરની મજબૂતાઈ તથા હેજ ફન્ડોની સોનાની સેફ હેવન માગ ઘટતા કિંમતી ધાતુમાં પીછેહઠ જોવા મળી હતી. સોનુ ઘટી ઔંસ દીઠ ૩૨૯૪ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૬.૪૪ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ૧૩૬૪ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૦૩ ડોલર કવોટ થતું હતું.

કોપર પર ૫૦ ટકા  ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની દરખાસ્ત બાદ અમેરિકામાં કોપરના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. કોપર ફ્યુચર્સ ૧૦ ટકા જેટલો વધી એક પાઉન્ડના ૫.૬૮ ડોલર પહોંચી ગયો હતો. જે ઓલ ટાઈમ હાઈ સપાટી છે.  જો કે ઊંચા ભાવે અમેરિકા ખાતેથી માગ નબળી પડશે તેવી ધારણાંએ વિશ્વની અન્ય બજારોમાં કોપરના ભાવ તૂટયા હતા. એલએમઈ પર ભાવ અઢી ટકા જેટલા ઘટી પ્રતિ ટન ૯.૬૫ ડોલર કવોટ થતો હતો.

મધ્ય પૂર્વમાં હુથી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં શિપિંગ લાઈન્સ પર કરાયેલા હુમલાથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાયો છે, જેને કારણે ભાવને ટેકો મળ્યો છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલના ભાવ બેરલ દીઠ ૬૮.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટના પ્રતિ બેરલ ૭૦.૨૩ ડોલર મુકાતા હતા. 


Tags :