સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો
- ક્રૂડતેલમાં પીછેહટ: ડોલર ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી પાર
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં શુક્રવારનો ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર ભાવમાં ફરી પીછેહટ બતાવી રહ્યા હતા અને તેના પગલે ઘરઆંગણે પણ આજે ઝવેરીબજારમાં નવી માગ ધીમી રહેતાં વિશ્વબજાર પાછળ માનસ વેંચવાનું રહ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૫૬થી ૩૨૫૭ વાળા ઘટી નીચામાં ભાવ ૩૨૨૨ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૨૪૦થી ૩૨૪૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ફરી વધી ઉંચામાં ૧૦૦ની સપાટી પાર કરી ૧૦૦.૩૩ થઈ છેલ્લે ભાવ ૧૦૦.૦૪ રહ્યાના સમાચાર હતા.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૬૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૪૫૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૫૧થી ૩૨.૫૨ વાળા નીચામાં ભાવ ૩૧.૯૩ થઈ છેલ્લે ભાવ ૩૨.૦૧થી ૩૨.૦૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૯૩૧૫૦ તથા ૯૯૯ના રૂ.૯૩૫૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૯૩૪૫૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૪.૫૩ વાળા વધી રૂ.૮૪.૬૧ રહ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૯૭ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૭૩થી ૯૭૪ વાળા ઘટી ૯૬૦ થઈ ૯૬૫થી ૯૬૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૫૩થી ૯૫૪ વાળા નીચામાં ૯૪૦ તથા ઉંચામાં ૯૫૯ થઈ છેલ્લે ભાવ ૯૫૬થી ૯૫૭ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. ઓપેકના દેશો મે પછી જૂનમાં પણ ઉત્પાદન વધારશે એવા સંકેતો વહેતા થયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ મેટલના ૬૧.૯૫ વાળા નીચામાં ૬૦.૬૯ થઈ છેલ્લે ભાવ ૬૧.૨૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૭૪ થઈ ૫૮.૨૯ ડોલર રહ્યા હતા.