સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો
- કરન્સી માર્કેટમાં ડોલરમાં ખાનગીમાં મજબૂતાઈ: ક્રુડ તેલમાં સ્થિરતા
- સપ્તાહ અંતે વિશ્વ બજારમાં ભાવ મક્કમ
મુંબઈ : શનિવાર નિમિત્તે સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ સપ્તાહ અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ બંધ આવતા અહીં બંધ બજારે સોનાચાંદીમાં ખાનગીમાં ભાવ ઊંચા મુકાતા હતા. શનિવારની ઓપેક તથા સાથી પક્ષોની વર્ચ્યુલ બેઠક પૂર્વે ક્રુડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા. કરન્સી માર્કેટ શનિવાર નિમિત્તે બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલરમાં મજબૂતાઈ જોવા મળી હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ખાનગીમાં રૂપિયા ૯૭૧૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૬૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ પણ બંધ બજારે સાધારણ સુધરી રૂપિયા ૧૦૭૬૫૦ બોલાતી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૦૦,૦૦૦ ટકેલા રહ્યા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૯૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૭૦૦૦ કવોટ થતા હતા. વિશ્વ બજારમાં સપ્તાહ અંતે સોનુ પ્રતિ ઔંસ ૩૩૩૭.૧૫ ડોલર બંધ રહ્યું હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૬.૯૬ ડોલર રહી હતી. પ્લેટિનમ ૨૧ ડોલર જેટલુ વધી ૧૩૯૭.૯૦ ડોલર બંધ રહ્યુ હતું જ્યારે પેલેડિયમ ૧૧૩૭ ડોલર ટકેલુ રહ્યું હતું.
ઓપેક તથા સાથી દેશોની મળી રહેલી વર્ચ્યુલ બેઠક પહેલા ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૮.૩૦ ડોલર જ્યારે ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૬.૫૦ ડોલર મુકાતુ હતું.
શનિવાર નિમિત્તે કરન્સી માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર ૮૫.૫૩ રૂપિયા બોલાતો હતો.