Get The App

ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાતા સોના-ચાંદીમાં પ્રવર્તતી નરમાઈ

- પૂરવઠો વધારવાની ઓપેકની જાહેરાત છતાં ક્રુડ તેલમાં સ્થિરતા:

- પ્લેટિનમ-પેલેડિયમ ઘટયા

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાતા સોના-ચાંદીમાં પ્રવર્તતી નરમાઈ 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં નરમાઈને પગલે ઘરઆંગણે સપ્તાહના પ્રથમ દિવસે સોનાચાંદીના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. ડોલરમાં મજબૂતાઈ ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ મુદ્દે અસમંજસની સ્થિતિ ચાલુ રખાતા રોકાણકારોએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો વ્યૂહ અપનાવ્યો હતો.

કેટલાક દેશો સાથે વેપાર કરાર થવાની તૈયારીમાં છે અને ટેરિફ લાગુ કરવાની તારીખ લંબાવીને ૧ ઓગસ્ટ કરાઈ હોવાના અહેવાલો  બાદ ટેરિફ સંબંધિત ચિંતાઓ હાલમાં હળવી થઈ છે. આવી સ્થિતિમાં સેફ હેવન તરીકે ગોલ્ડની ખરીદી અટકી હતી. ઓગસ્ટમાં  ક્રુડ તેલના ઉત્પાદન વધારવાના ઓપેક તથા સાથી દેશોના નિર્ણય છતાં ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે ગયા સપ્તાહના અંતે ૯૭૦૨૧ ડોલર બંધ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વ બજાર પાછળ નરમ પડી ૯૬૫૯૬ ડોલર બંધ રહ્યા હતા. ૯૯.૫૦  દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૬૨૦૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે ગયા સપ્તાહના અંતે રૂપિયા ૧૦૭૫૮૦ સત્તાવાર બંધ રહ્યા હતા તે સોમવારે નરમ પડી રૂપિયા ૧૦૬૫૩૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૯૯૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના રૂપિયા ૯૯૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૭૦૦૦ કવોટ થતા હતા.

ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવીને ૧ ઓગસ્ટ કરાઈ હોવાના અહેવાલ બાદ વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ ઘટી ગઈ હતી. રોકાણકારો કિંમતી ધાતુ વેચી ડોલર તરફ વળતા ડોલરમાં મજબૂતાઈ રહી હતી. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૨૯૬ ડોલરથી ૩૩૪૨ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૩૩૦૩ ડોલર મુકાતુ હતુ. ચાંદી ઔંસ દીઠ ૩૬.૧૫ ડોલર અને ૩૭.૨૨ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૩૬.૨૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગે ભાવ ઘટી પ્રતિ ઔંસ ૧૩૬૧ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૧૩ ડોલર મુકાતુ હતું. 

ઓગસ્ટમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં પ્રતિ દિન ૫૪૮૦૦૦  બેરલ્સનો વધારો કરવાનો ઓપેક તથા સાથી દેશોના નિર્ણય છતાં ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઉત્પાદનમાં વધારાને બજાર ગ્રહણ કરી લેશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા રહી હતી. ડબ્લ્યુટીઆઈ નાયમેક્સ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૬.૯૩ ડોલર અને આઈસીઈ બ્રેન્ટ બેરલ દીઠ ૬૮.૬૭ ડોલર મુકાતુ હતું. 


Tags :