બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત
- ટ્રમ્પ તથા પુતિનની બેઠક પહેલા ક્રુડ તેલમાં સ્થિરતા
મુંબઈ : વિશ્વ બજારમાં સપ્તાહ અંતે કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે બંધ આવતા અહીં શનિવારે બંધ બજારે ભાવ ઊંચા મુકાતા હતા. વૈશ્વિક સોનુ જે શુક્રવારે ૩૪૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયું હતું તે અંતે ૩૩૯૮ ડોલર પર સ્થિર થયું હતું. આ અગાઉ ટેરિફના અહેવાલે કોમેકસ ગોલ્ડ ફ્યુચર્સ વધીને ૩૫૩૪.૧૦ ડોલર પહોંચી ગયો હતો અને હાજર ભાવ ૩૪૦૦ ડોલરને પાર કરી ગયા હતા.
ગોલ્ડ બાર્સ પર ઈમ્પોર્ટ ટેરિફ લાગુ કરવામાં આવશે તેવા અહેવાલોને અમેરિકાએ નકારી કાઢયા બાદ વૈશ્વિક સોનામાં સપ્તાહ અંતે ઊંચા મથાળેથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. ગોલ્ડ બાર્સની આયાત સામે ટેરિફ લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા સાથેની નવી નીતિ જારી કરવાની ટ્રમ્પ વહીવટીતંત્રના એક અધિકારીએ જાહેરાત કરી હતી.
મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ બંધ બજારે ખાનગીમાં ંરૂપિયા ૧૦૧૦૬૨ જ્યારે ૯૯.૫૦ના જીએસટી વગર રૂપિયા ૧૦૦૬૪૩ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ખાનગીમાં ૧૧૪૮૨૦ બોલાતા હતા.
રક્ષા બંધન નિમિત્તે અમદાવાદ સોનાચાંદી બજાર બંધ રહી હતી. વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૩૪ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૩૧ ડોલર તથા પેલેડિયમ ૧૧૨૮ ડોલર મુકાતુ હતું. શનિવાર નિમિત્તે સ્થાનિક કરન્સી માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર ૮૭.૬૦ રૂપિયા મુકાતો હતો.
રશિયા તથા અમેરિકાના પ્રમખો પુતિન તથા ટ્રમ્પની આવતા સપ્તાહે બેઠક મળી રહી હોવાના અહેવાલ બાદ સપ્તાહ અંતે ક્રુડ તેલના ભાવસ્થિર બંધ રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૩.૮૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૬.૫૯ ડોલર મુકાતુ હતું.