Business

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી મક્કમ: ફેડરલની મિનિટસ પર નજર

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદના બજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. અમેરિકન સરકારના દેવામાં વૃદ્ધિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શક્યતા ઘટતા વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળ્યો. 99.90 સોનાનો ભાવ ₹1,48,198 (10 ગ્રામ) અને ચાંદીનો ભાવ ₹2,24,157 (1 કિલો) રહ્યો. ક્રુડ તેલમાં પુરવઠા વૃદ્ધિના સંકેતથી સ્થિરતા જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી મક્કમ: ફેડરલની મિનિટસ પર નજર

પૂરવઠો વધવાના સંકેતે ક્રુડમાં ટકેલ વલણ: ડોલરમાં સ્થિરતા
મુંબઈ : સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવમાં સુધારા તરફી ચાલને પગલે ઘરઆંગણે પણ ગયા સપ્તાહની સરખામણીએ ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. અમેરિકન સરકારના દેવામાં થઈ રહેલા વધારા તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શકયતા ઘટી ગયા બાદ વિશ્વબજારમાં સોનાચાંદીમાં સુધારો જોવાયો હતો. જો કે ડોલરમાં મજબૂતાઈને પગલે સુધારો સીમિત રહ્યો હતો. વિશ્વ બજારમાં પૂરવઠો વધવાના સંકેતે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો પ્રમાણમાં સ્થિર રહ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ ગયા સપ્તાહના અંતની સરખામણીએ જીએસટી વગર સાધારણ ઊંચા રહી રૂપિયા ૧,૪૮,૧૯૮ બોલાતા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૪૭,૬૦૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૨,૨૪,૧૫૭ કવોટ થતા હતા.
જે ગયા સપ્તાહના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૩૩૦૦ જેટલા ઊંચા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. અમદાવાદ સોનાચાંદી બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૫૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૫૨,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨,૨૮,૦૦૦ કવોટ થતા હતા.
સરકારી દેવામાં વધારો સોના માટે ટેકારૂપ બની શકે છે એવો ટ્રેડરો મત ધરાવી રહ્યા છે. અમેરિકન સરકારનું દેવુ ગયા મહિને વધી ૪૦ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયુ હતું. સપ્ટેમ્બરમાં યોજાઈ ગયેલી ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટસ પર બજારની નજર રહેલી છે. આ મિનિટસ ફેડરલ રિઝર્વ નાણાં નીતિ માટે શું માને છે, તેના સંકેત પૂરા પાડશે. વિશ્વ બજારમાં સોનાના ઔસ દીઠ ભાવ ૪૧૫૩ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૬૧.૬૨ ડોલર મુકાતી હતી.
મધ્ય પૂર્વમાંથી ક્રુડ તેલની નિકાસ યુદ્ધ પહેલાના સ્તર કરતા વધી જતા અને જી૭ દ્વારા સ્ટોક છૂટો કરવાની જાહેરાત બાદ ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૯૦.૨૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ પ્રેતિ બેરલ ૧૦૨.૩૯ ડોલર મુકાતુ હતું. ડોલર ૦.૦૨ પૈસા ઘટી ૯૬.૨૯ રૂપિયા કવોટ થતો હતો. યુરો ૦.૬૧ પૈસા ઘટી ૧૦૭.૯૨ રૂપિયા બોલાતો હતો.