Updated: May 26th, 2023
ડોલર ઈન્ડેકસ વધીને બે મહિનાની ટોચેઃ ક્રુડ તેલમાં ઊંચા મથાળેથી પીછેહઠ
મુંબઈ: અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા મુદ્દે ચાલુ રહેલી મડાગાંઠ, ચીનમાં કોરોનાના કેસોમાં ફરી વધારો તથા જર્મની મંદીમાં ધકેલાઈ ગયાના અહેવાલે વૈશ્વિક રોકાણકારોએ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની મે બેઠકની આવેલી મિનિટસમાં વ્યાજ દર સંદર્ભે કોઈ સ્પષ્ટ સંકેત નહીં મળતા સોના તથા ડોલર વચ્ચેની પસંદગીમાં પણ રોકાણકારો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. ડોલર ઈન્ડેકસ વધીને બે મહિનાની ટોચે જોવાયો હતો.
વૈશ્વિક સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. ક્રુડ ઓઈલમાં પીછેહઠ જોવા મળી હતી જ્યારે સ્થાનિક મની માર્કેટમાં ડોલર સામે રૂપિયાનો સુધારો અટકયો હતો.
ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં ફરી પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામની જીએસટી વગરના ભાવ ઘટી રૂપિયા ૬૦૩૬૧ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૦૧૧૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૦૨૮૪ બોલાતા હતા. અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૬૨૩૦૦ તથા ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૬૨૧૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૧૫૦૦ બોલાતા હતા. ફેડરલ રિઝર્વની મે બેઠકની બુધવારે જાહેર થયેલી મિનિટસમાં હવે પછી વ્યાજ દરમાં વધારો કરાશે કે પછી તેમાં સ્થિરતા રખાશે તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત નહીં મળતા ફન્ડ હાઉસો પણ હાલમાં અવઢવની સ્થિતિમાં રહ્યા કરે છે. આઉપરાંત અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા અંગેની મડાગાંઠ યથાવત રહી હતી. જેને પગલે સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો વ્યૂહ ધરાવતા હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. વિશ્વ બજારમાં સોનું એક ઔંસ દીઠ ૧૯૩૯ ડોલર થઈમોડી સાંજે ૧૯૪૭ ડોલર જ્યારે ચાંદી ૨૨.૯૪ડોલર મુકાતી હતી. ડોલર ઈન્ડેકસ વધી ૧૦૪.૧૬ સાથે બે મહિનાની ટોચે રહ્યો હતો.
જર્મનીમાં મંદી ઉપરાંત ચીનમાં કોરોનાના કેસોમાં ફરી વધારાના અહેવાલે ક્રુડ તેલમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૭૨.૮૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૬.૯૩ ડોલર કવોટ કરાતું હતું.
ઘરઆંગણે ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયાનો સુધારા અટકયો હતો. ડોલર ૬ પૈસા વધી ૮૨.૭૩ રૂપિયા, પાઉન્ડ રૂપિયા ૧૦૨.૩૯ રૂપિયા સ્થિર રહ્યો હતો જ્યારે યુરો ૨૮ પૈસા ઘટી ૮૮.૭૮ રૂપિયા રહ્યો હતો.