Gold And Silver News : વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ઉદ્ભવેલ આગ ઝરતી તેજીને પગલે સ્થાનિક સોના ચાંદી બજારમાં પણ સોના- ચાંદીમાં તેજીનું નવેસરથી તોફાન જોવા મળ્યું છે. અમેરિકામાં શટડાઉનના પગલે કિંમતી ધાતુઓમાં તેજીને નવું કારણ મળતાં વૈશ્વિક સોનું 3900 ડોલરની સપાટી કૂદાવી ગયું હતું જેને પગલે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી ઉછળીને રૂ. 150000 તથા સોનું 122500ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી જવા પામ્યું હતું.
વિશ્વબજારના સમાચાર તેજીની આગેકૂચ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 3860 થી 3861 ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૩૯૧૦થી ૩૯૧૫ ડોલર સુધી ઉછળી છેલ્લે ભાવ સપ્તાહના અંતે 3886 થી 3887 ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં સોનાના ભાવ આશરે 45 ટકા વધી ગયા છે તથા આવી તેજી આ પૂર્વે છેલ્લે 1979માં જોવા મળી હતી. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમેરિકામાં સરકારી ખર્ચાઓનું ભંડોળ મંજૂર ન થતાં શટડાઉન લાગુ પડતાં સોનાની તેજીને હવે નવું કારણ મળ્યું હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના 47.39 થી 47.40 વાળા વધી 48.00 થી 48.01 ડોલર છેલ્લે રહ્યા હતા
અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.1000 ઉછળી 995 ના રૂ.122000 તથા 999 ના રૂ.122500 બોલાતાં નવો વિક્રમ સર્જાયો હતો જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.1000 વધી રૂ.1 લાખ 50 હજારને આંબી જતાં બજારના ખેલાડીઓ અચંબામાં પડી ગયા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીના પગલે વૈશ્વિક સ્તરે વિવિધ ગોલ્ડ માઈનિંગ કંપનીઓના શેરોના ભાવ પણ ઉછળ્યા હતા તથા આવી કંપનીઓનો શેર ઈન્ડેક્સ ગોલ્ડ માઈનર્સ ઈન્ડેક્સ આ વર્ષે 135 ટકાની વૃધ્ધિ બતાવી રહ્યો હતો. આવી ઘણી કંપનીઓના શેરોના ભાવ આ વર્ષે બમણા થઈ ગયાના વાવડ પણ મળ્યા હતા.
દશેરાએ ઊંચા ભાવના લીધે સોનાનું વેચાણ 25 ટકા ઘટયું
- ગયા વર્ષે 24 ટનની તુલનાએ ચાલુ વર્ષે 18 ટન સોનાના ઝવેરાતનું જ વેચાણ થયું
આ વખતે દશેરાએ સોનાના આકાશને આંબતા ભાવના કારણે સોનાનું વેચાણ 25 ટકા ઘટયું છે. આમ સોનાએ આ વખતના દશેરાએ તેની ચમક ગુમાવી દીધી હતી. ઊંચા ભાવના કારણે ગ્રાહકો સોનાની ખરીદીથી દૂર થતાં જોવા મળ્યા હતા.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનાએ સોનાનું વેચાણ 25 ટકા ઘટીને 18 ટન રહ્યુ હતુ. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 24 ટન ઝવેરાતનું વેચાણ થયું હતું.
ભારતમાં સોનું બધાને પસંદ છે, પરંતુ સોનાની કિંમત અંકુશ બહાર થઈ જાય તો લોકો તેની ખરીદી કઈ રીતે કરશે. આ વર્ષે દશેરા બીજી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવી હતી.તે સમયે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 1.16 લાખ હતો. આ ભાવ દશેરાના ગયા વર્ષના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 78000 થી ઘણો એટલે કે 48 ટકા વધારે છે. ગ્રાહકોએ સોનાની કિંમત ઉપરાંત ત્રણ ટકા જીએસટી પણ આપવાનો હોય છે.
આઇબીજેએના સચિવ સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે ચાલુ વર્ષની તુલનાએ ગયા વર્ષની દશેરા વધારે સારી હતી. આ વખતે ઊંચા ભાવના કારણે માંગ પર અસર પડી છે. લોકો નવુ સોનું ખરીદવાના બદલે જૂના સોનાની અદલાબદલી કરી રહ્યા છે.


