Get The App

વિશ્વ બજારમાં સોનાચાંદી ઓલટાઈમ હાઈ : ઘરઆંગણે ઊંચા મથાળે સ્થિરતા

- ક્રુડ ઓઇલમાં ૬૭ ડોલર પાર કરી આગેકૂચ જારી

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં સોનાચાંદી  ઓલટાઈમ હાઈ : ઘરઆંગણે ઊંચા મથાળે સ્થિરતા 1 - image


મુંબઈ : અમેરિકામાં ગુરુવારે જાહેર થનારા ફુગાવાના આંક અને આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાતની વધી રહેલી શકયતાને પગલે વિશ્વ બજારમાં સોનાચાંદી બન્ને ઓલટાઈમ હાઈ સપાટીની આસપાસ ટકી રહ્યા હતા. અમેરિકામાં લેબર માર્કેટ નબળી પડતા તેની અસરે ડોલરમાં નબળાઈ આવી છે.

 વ્યાજ દર ઘટવાની તકો વધી જતા ફન્ડ હાઉસોનું ગોલ્ડમાં રોકાણ વધી રહ્યું છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ટકેલા રહ્યા હતા. કતારમાં દોહા પર ઈઝરાયેલના હુમલા અને રશિયા પર વધુ પ્રતિબંધ આવવાની ધારણાંએ ક્રુડ તેલમાં આગેકૂચ જારી રહી હતી અને પ્રતિ બેરલ ૬૭ ડોલરને પાર કરી ગયું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ સાધારણ વધી જીએસટી વગર રૂપિયા ૧૦૯૬૩૫ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૦૯૧૯૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૪૫૯૪ લગભગ સ્થિર રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૧૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસના ભાવ રૂપિયા ૧૧૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૬૦૦૦  જળવાઈ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૬૫૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૧.૦૮ ડોલર સાથે ઓલટાઈમની નજીક ટકા રહ્યા હતા. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ  વધીને ૧૩૯૫ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૭૮ ડોલર ઊચું મુકાતુ હતું. બન્નેમાં નવેસરથી આકર્ષણ જોવાયું હતું. 

દોહા પર ઈઝરાયેલના હુમલા તથા રશિયા સામે અમેરિકા વધુ સખત પગલાં લેવા ઈરાદો ધરાવે છે તેવા આવી રહેલા અહેવાલોને પગલે ક્રુડ તેલમાં સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ ફરી ૬૭ ડોલરની સપાટીને કુદાવી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૩૨  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૦૯ ડોલર મુકાતુ હતું. 

Tags :