ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર્ણય
Goa's Feni & Kerala Toddy to Hit UK Market : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 જુલાઈના દિવસોમાં યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. આ દરમિયાન ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે ‘મુક્ત વેપાર કરાર’ થયા હતા. આ કરારમાં આમ તો ઘણીબધી ચીજોનો ઉલ્લેખ છે, પણ સવિશેષ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે હવેથી ગોવાની કાજુ ફેની અને કેરળની તાડી જેવા ભારતીય આલ્કોહોલિક પીણાંનું પણ બ્રિટિશ માર્કેટમાં વેચાણ કરી શકાશે. દેશના ઓર્ગેનિક પીણાંને પશ્ચિમી બજારોમાં મળેલા આ પ્રવેશથી ભારતને વર્ષે કરોડો રૂપિયાની આવક થશે અને આલ્કોહોલના ઉત્પાદકોની આર્થિક સ્થિતિ પણ સુધરશે.
આલ્કોહોલિક પીણાને GI ટૅગ મળશે
આ કરાર હેઠળ ભારતના ઓર્ગેનિક આલ્કોહોલિક પીણાંઓને યુકેમાં GI ટૅગ (Geographical Indication) પણ આપવામાં આવશે, જેથી એને નકલની સામે સુરક્ષા મળશે અને એની ગુણવત્તા પણ જળવાશે. આમાં કાજુમાંથી બનાવાતી ગોવાની ફેની, ખજૂરીમાંથી મેળવાતી કેરળની તાડી અને દ્રાક્ષમાંથી બનાવાતી નાસિકની વાઇન જેવા પરંપરાગત આલ્કોહોલિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ભારતની આલ્કોહોલ નિકાસને વેગ મળશે
યુકે સાથેના આ કરાર ભારતના દારૂ ઉદ્યોગ માટે મહત્ત્વનો વળાંક લાવશે. હાલમાં ભારત 370 મિલિયન ડોલરની આલ્કોહોલ નિકાસ કરે છે, જેને વર્ષ 2030 સુધીમાં વધારીને 1 બિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય છે. હાલમાં ભારત આલ્કોહોલ નિકાસમાં વિશ્વભરમાં 40મા સ્થાને છે. આગામી વર્ષોમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવાની ભારતની ગણતરી છે. યુકેના પ્રીમિયમ રિટેલ અને હોટેલ-રેસ્ટોરન્ટ શૃંખલાઓમાં વિશેષ સ્થાન મળતાં આ ભારતીય પીણાંઓની નોંધ અમેરિકા તથા યુરોપના અન્ય દેશોમાં પણ લેવાશે, અને ભારત માટે નવા માર્કેટ ખુલશે.
બ્રિટિશ સ્કોચ પણ ભારતમાં સસ્તી થશે
યુકે સાથેનો વેપાર સોદો ફક્ત ભારતીય ઉત્પાદકો માટે જ નહીં, ભારતીય ગ્રાહકો માટે પણ ફાયદાકારક છે, કેમ કે શિવાઝ રીગલ, ગ્લેનલિવેટ, જોની વોકર જેવી પ્રખ્યાત બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી હવે ભારતમાં 75% થી 40% જેટલી સસ્તી થઈ જશે. હાલમાં આયાતી વ્હિસ્કી પર 150% ડ્યુટી છે, જે FTA હેઠળ ઘટીને પહેલા 75% અને પછી આગામી 10 વર્ષમાં 40% થઈ જશે.