Get The App

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952

- નિફટી ૨૦૪ પોઈન્ટ ગબડીને ૨૪૬૧૦ : આઈટી, કન્ઝયુમર, એફએમસીજી, ઓટો શેરોમાં ધોવાણ

- ઈઝરાયેલ-ઈરાન યુદ્વના ભણકારાં અને અમેરિકામાં સ્ટેગ્ફલેશનના જોખમના સંકેત : FPIs/FIIની રૂ.૫૦૪૫ કરોડની વેચવાલી

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 1 - image


મુંબઈ : અમેરિકામાં સ્ટેગફ્લેશનનું જોખમ હોવાના મોર્ગન સ્ટેનલીએ ચેતવણી ઉચ્ચારતાં અને બીજી તરફ ઈઝરાયેલના ગાઝાને સંપૂર્ણ હસ્તગત કરવા હમાસ વધતા હુમલા અને ઈરાન પર સ્ટ્રાઈકની તૈયારીના અહેવાલ વચ્ચે અમેરિકામાં ઈઝરાયેલના બે કર્મચારીઓના ગોળીબારમાં મોત થતાં ગમે તે ઘડીએ ઈઝરાયેલ ફરી યુદ્વ મોરચે આક્રમકતા બતાવશે એવી પૂરી શકયતાએ વૈશ્વિક બજારો આજે ડામાડોળ થયા હતા. અમેરિકી બજારોમાં ગઈકાલે મોટા ધોવાણ પાછળ આજે  એશીયા, યુરોપના દેશોના બજારમાં સાર્વત્રિક ગાબડાં પાછળ ભારતીય શેર બજારોમાં પણ કડાકો બોલાયો હતો. અમેરિકી શેર બજાર નાસ્દાક પાછળ આઈટી શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલીએ સેન્સેક્સ એક તબક્કે ૧૧૦૬.૭૧ પોઈન્ટના ધબડકાએ નીચામાં ૮૦૪૮૯.૯૨ સુધી આવ્યા બાદ અંતે ૬૪૪.૬૪ પોઈન્ટ ગબડીને ૮૦૯૫૧.૯૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ એક તબક્કે ૩૫૧.૦૫ પોઈન્ટના કડાકે  નીચામાં ૨૪૪૬૨.૪૦ સુધી ખાબકી અંતે ૨૦૩.૭૫ પોઈન્ટ તૂટીને ૨૪૬૦૯.૭૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૪૦૪ પોઈન્ટ તૂટયો : ૬૩ મૂન્સ રૂ.૪૩ તૂટી રૂ.૮૨૪ : એક્સચેન્જિંગ, વિપ્રો ગબડયા

નાસ્દાક શેર બજારમાં ધોવાણ પાછળ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે તેજીના વળતાં પાણી થયા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૦૪.૦૩ પોઈન્ટ ગબડીને ૩૬૬૧૫.૩૪ બંધ રહ્યો હતો. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪૩.૩૫ તૂટીને રૂ.૮૨૪.૪૫, એક્સચેન્જિંગ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૯૭.૪૬, બીએલએસઈ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૦૯.૩૫, બ્લેક બોક્સ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૪૫૧, વિપ્રો રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૪૫.૯૫, ઝેગલ રૂ.૮ ઘટીને રૂ.૪૧૯.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૩૦ ઘટીને રૂ.૧૫૬૯.૮૫, ટીસીએસ રૂ.૪૫.૯૫ ઘટીને રૂ.૩૪૭૯, પર્સિસ્ટન્ટ રૂ.૭૧.૮૫ ઘટીને રૂ.૫૫૯૫.૭૫, ઈન્ફોસીસ રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૧૫૪૯.૨૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૯.૧૦ ઘટીને રૂ.૮૨૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : આદિત્ય બિરલા ફેશન, ડિક્સન ટેકનોલોજી, બ્લુ સ્ટાર ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૨૪.૭૪ પોઈન્ટ તૂટીને ૫૮૦૧૮.૨૫ બંધ રહ્યો હતો. આદિત્ય બિરલા ફેશન રૂ.૭.૧૫ ઘટીને રૂ.૮૯.૮૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૩૯.૪૫ ઘટીને રૂ.૧૫,૧૬૮.૨૫, બ્લુ સ્ટાર રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૧૫૬૧.૦૫, ટાઈટન રૂ.૩૩ ઘટીને રૂ.૩૫૪૬.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૬૦ ઘટીને રૂ.૧૫૬૬.૬૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં વાડીલાલ રૂ.૭૬૫ તૂટયો : કોલગેટ પામોલીવ, ગોડફ્રે, વરૂણ બિવરેજીસ ઘટયા

એફએમસીજી શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં સંખ્યાબંધ શેરોમાં નરમાઈ જોવાઈ હતી. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૬૫.૩૫ તૂટીને રૂ.૫૯૯૭.૩૫, કોલગેટ પામોલીવ રૂ.૧૭૨.૧૦ ઘટીને રૂ.૨૪૮૬.૪૦, એવરરેડ્ડી રૂ.૯.૦૫ ઘટીને રૂ.૩૧૪.૯૫, ગોડફ્રે ફિલિપ રૂ.૨૦૫.૭૫ ઘટીને રૂ.૮૩૫૦, યુનાઈટેડ બ્રિવરીઝ રૂ.૪૧.૧૦ ઘટીને રૂ.૧૯૯૧.૯૦, વરૂણ બિવરેજીસ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૪૭૦.૩૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૨.૨૫ ઘટીને રૂ.૨૩૩૧.૦૫, આઈટીસી લિમિટેડ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૪૨૬.૧૦  રહ્યા હતા.  બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૫૬.૮૨ પોઈન્ટ તૂટીને ૨૦,૩૫૫.૬૪ બંધ રહ્યો હતો.

ક્રુડમાં ઈરાન ફેકટરે મજબૂતી બાદ ઓપેકના સંકેત, અમેરિકામાં સ્ટોક વધતાં નરમાઈ : ઓઈલ શેરો ઘટયા

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સ્ટ્રાઈક કરવાની તૈયારીના અહેવાલે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવ્યા બાદ અમેરિકામાં સ્ટોક વધીને આવ્યાના અહેવાલ  અને ઓપેક દેશો દ્વારા જુલાઈમાં પણ ઉત્પાદન ઊંચું રાખવાના સંકેત આપ્યાના અહેવાલ વચ્ચે ભાવો ફરી ઘટાડા તરફી થઈ ગયા હતા. નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ઓઈલ ૧.૨૩ ડોલર તૂટીને ૬૦.૩૪ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૧.૨૬ ડોલર ગબડીને ૬૩.૬૫ ડોલર રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ વેચવાલી કરી હતી. ઓએનજીસી રૂ.૭.૨૦ તૂટીને રૂ.૨૪૧.૫૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૮ ઘટીને રૂ.૪૧૮.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૨૦૪, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૫૦  ઘટીને રૂ.૧૪૦૯.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૭.૦૮ પોઈન્ટ ઘટીને ૨૬૯૬૬.૦૯ બંધ રહ્યો હતો. 

મેટલ-માઈનીંગ શેરો ઘટયા : હિન્દાલ્કો રૂ.૧૩ ઘટીને રૂ.૬૪૯ : કોલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલમાં વેચવાલી

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો. હિન્દાલ્કો રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૬૪૯.૫૫, કોલ ઈન્ડિયા રૂ.૬.૪૦ ઘટીને રૂ.૩૯૮.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૯૫૭.૨૦, વેદાન્તા રૂ.૨.૬૦ ઘટીને રૂ.૪૩૫.૧૦ રહ્યા હતા.

ગોકલદાસ એક્ષપોર્ટ, એચજી ઈન્ફ્રા., જીએમએમ ફોડલર, રેડિંગ્ટન, પ્રોટિઅન, મેનકાઈન્ડ ગબડયા

એ ગુ્રપના અન્ય પ્રમુખ ઘટનાર શેરોમાં ગોકલદાસ એક્ષપોર્ટ રૂ.૭૮.૦૫ તૂટીને રૂ.૯૬૧.૪૫, એચજી ઈન્ફ્રા રૂ.૯૩.૯૦ ઘટીને રૂ.૧૧૫૯.૪૫, જીએમએમ ફોડલર રૂ.૯૩.૫૫ ઘટીને રૂ.૧૧૭૨.૩૦, રેડિંગ્ટન રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૨૭૪.૭૫, પ્રોટિઅન ઈગવમાં ડિમર્જર મંજૂરી વચ્ચે શેર રૂ.૫૪.૫૫ તૂટીને રૂ.૧૦૦૪.૩૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૭.૪૫ ઘટીને રૂ.૧૦૯૧.૨૫, મેનકાઈન્ડ રૂ.૯૫.૨૦ ઘટીને રૂ.૨૪૩૭.૮૫, જીઆઈસી રી રૂ.૧૫.૫૫ ઘટીને રૂ.૪૨૦.૫૫ રહ્યા હતા.

એનએસઈ કોન્ટ્રેક્ટસ માટે મંગળવાર એક્સપાયરીને સેબીની મંજૂરીની શકયતાએ બીએસઈનો શેર તૂટયો

નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈને તેના કોન્ટ્રેક્ટસ માટે એક્સપાયરી દિવસ મંગળવાર પર શિફ્ટ કરવા માટે સેબી મંજૂરી આપી શકે છે એવા મીડિયા અહેવાલો વચ્ચે આજે બીએસઈ લિમિટેડનો શેર ૩.૯૭ ટકા એટલે કે રૂ.૨૯૦ તૂટીને રૂ.૭૦૧૫ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી  વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૭૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં વેચવાલી સાથે એ ગુ્રપના ઘણા શેરોમાં ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮ અને વધનારની સંખ્યા ૧૭૪૧ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૨૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૮.૯૮ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી ઈન્ડેક્સ ફરી કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં  રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૨૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૮.૯૮ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૫૦૪૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૭૧૫ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૂવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૫૦૪૫.૩૬કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૬૦૮.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૬૫૩.૯૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૭૧૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૪૮.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૬૩૩.૬૩ કરોડની વેચવાલી કરી હતી.

જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારો તૂટયા : જર્મનીનો ડેક્ષ ૨૦૧, નિક્કી ૩૧૩ પોઈન્ટ તૂટયા

અમેરિકામાં સ્ટેગફ્લેશનના જોખમ અને ઈઝરાયેલ-ઈરાન યુદ્વના ભણકારાં વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં નરમાઈ રહી હતી. યુરોપના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૭૬ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૨૦૩ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૯૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. એશીયા-પેસેફિકમાં જાપાનનો નિક્કી ૩૧૩ પોઈન્ટ ઘટાડો, હોંગકોંગનો હેંગસેંગ ૨૮૩ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે નરમાઈ સાથે ખુલીને ડાઉ જોન્સ ૫૬ પોઈન્ટનો ઘટાડો નાસ્દાક નેગેટીવ ખુલીને સાધારણ પોઝિટીવ બતાવાતા હતા.

Tags :