Get The App

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ

- સાઉદીને બદલે રશિયાનું ક્રુડ ખરીદવાના ચીનના નિર્ણયથી ભાવ પર દબાણ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ 1 - image


મુંબઈ : સોના પર ટેરિફ લાગુ કરવામાં નહીં આવે તેવી અમેરિકા દ્વારા આવી પડેલી સ્પષ્ટતા અને ચીનના માલસામાનને ટેરિફમાંથી વધુ ૯૦ દિવસ મુક્તિ આપવાના અમેરિકાના નિર્ણયને કારણે વૈશ્વિક વેપાર તાણ હાલપૂરતું હળવી થયાના સંકેતે વૈશ્વિક સોનાચાંદીમાં ભાવ સ્થિર  રહ્યા  હતા. વૈશ્વિક વેપાર તાણ હળવી થતા સોનાની સેફ હેવન માગ હાલમાં ઘટી ગઈ છે. ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવ  સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા.  

જો કે ડોલર સામે રૂપિયો નબળો પડતા કિંમતી ધાતુમાં ભાવ ઘટાડો સીમિત રહ્યો હતો. ચીને સાઉદી અરેબિયાને બદલે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદ કરવાની યોજના હોવાનું જાહેર કરતા ક્રુડ તેલના ભાવ પણ સાધારણ નીચા કવોટ થતા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૬૭૦ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૯૯૨૭૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૩૧૩ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૨૮૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૨૫૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૫૦૦ મુકાતા હતા. 

વિશ્વબજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૫૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૭.૭૦ ડોલર મુકાતી હતી. વેપાર તાણ હાલપુરતુ હળવી થતા સોનામાં સેફ હેવન માગ નીચી જોવા મળી રહી છે જેને કારણે ભાવ ટકી રહ્યા છે. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૩૨ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૪૪  ડોલર કવોટ થતું હતું. 

ચીન હવે સાઉદી અરેબિયાને બદલે રશિયાનું ક્રુડ તેલ ખરીદ કરશે તેવા અહેવાલ વચ્ચે ક્રુડ તેલના ભાવ નરમ પડયા હતા. 

રશિયાનું ક્રુડ તેલ અન્ય  પૂરવઠેદારો કરતા સસ્તુ પડતુ હોવાથી ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ  બેરલ દીઠ ૬૩.૫૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૬.૨૫ ડોલર મુકાતુ હતું. 


Tags :