ભારતના સ્ટાર્ટઅપ્સમાં ઊંચા મૂલ્યાંકને ફસાયાની વૈશ્વિક રોકાણકારોમાં લાગણી
- વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભંડોળ ઊભું કરવાની માત્રામાં ૭૫ ટકા ગાબડું
મુંબઈ : ભારતની સ્ટાર્ટઅપ્સમાં ભંડોળની ખેંચ તથા સ્ટોક લિસ્ટિંગમાં ઢીલ હજુ વધુ વણસવાની સ્થિતિ ઊભી થઈ છે. ઊંચા મૂલ્યાંકનમાં વૈશ્વિક રોકાણકારો અટવાઈ ગયા છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. ભંડોળની ખેંચ અનુભવતી દેશની સ્ટાર્ટઅપ્સ દ્વારા કર્મચારીઓની મોટેપાયે છટણી પણ કરાઈ રહી છે.
૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની સ્ટાર્ટઅપ્સ માત્ર બે અબજ ડોલર જેટલી જ રકમ ઊભી કરી શકી છે જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ ૭૫ ટકા ઓછી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ એક ત્રિમાસિક ગાળામાં ઊભી કરાયેલી આ સૌથી ઓછી રકમ છે.
ભંડોળ ઊભા કરવાની આ માત્રા ચાલુ રહેશે તો વર્તમાન વર્ષમાં દેશની સ્ટાર્ટઅપ્સ ૧૦ અબજ ડોલર જ ઊભા કરી શકશે. જે ૨૦૨૨માં ઊભા કરાયેલા ૨૦ અબજ ડોલર તથા ૨૦૨૧માં ઊભા કરાયેલા ૩૦ અબજ ડોલરની સરખામણીએ એકદમ ઓછી રકમ હશે.
દેશની સ્ટાર્ટઅપ્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતના પીઠબળ ગણાવ્યા હતા. સ્ટાર્ટ અપ્સમાં કોઈપણ નબળાઈ દેશના આર્થિક વિકાસ દર તથા રોજગાર બજારને ફટકો મારશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ભારતીય સ્ટાર્ટઅપ્સની આ નવરચના થઈ રહી છે. ૨૦૨૧માં સ્ટાર્ટઅપ્સ દ્વારા જે વિક્રમી ભંડોળ ઊભું કરાયું હતું તેટલું ભંડોળ કોઈ એક વર્ષમાં આગામી એક દાયકા સુધી ઊભું થતું જોવા નહીં મળે.
ઊંચા વ્યાજ દરો તથા ફુગાવાએ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણને નબળું પાડયું છે. અમેરિકામાં સ્ટાર્ટઅપ્સ ફન્ડિંગ વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પચાસ ટકા ઘટી ૩૨.૫૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે ચીનમાં તે ૬૦ ટકા ઘટી ૫.૬૦ અબજ ડોલર રહ્યું હતું.
ભારતની સ્ટાર્ટઅપ્સ જે તેની વૈશ્વિક હરિફોની સરખામણીએ વિદેશી મૂડી પર વધુ આધાર રાખે છે, તેણે ગંભીર ખેંચ અનુભવી છે. ઉપભોગમાં વૃદ્ધિની ધારણાંમાં પોતે ખોટા પડયા હોવાનું કેટલાક રોકાણકારો માની રહ્યા છે.