Get The App

US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ

- અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં ધીમો સુધારો: ક્રુડ તેલ ઊંચકાયુ

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ 1 - image


મુંબઈ : અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરારને પગલે ગોલ્ડની સેફ હેવન માગ નબળી પડતા વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ સાધારણ નરમ પડયા હતા. બીજી બાજુ આવતીકાલથી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દરને લઈને કેવો નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેલી છે.

અમેરિકામાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઉપરાંત રોજગારના ડેટાની વર્તમાન સપ્તાહમાં થનારી જાહેરાત બજારની ચાલ નક્કી કરનારા પરિબળો બની રહેશે.

વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે સોનાચાંદી પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. વેપાર કરાર થવાને પગલે માગ વધવાની અપેક્ષાએ ક્રુડ તેલના ભાવ સપ્તાહના પ્રથમ દિવસે સુધારા તરફી રહ્યા હતા. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૮૪૪૬ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૯૮૦૫૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૨૯૮૪ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ગયા સપ્તાહના અંતની સરખામણીએ ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૪૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૧૧૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૩૨ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૦૮ ડોલર મુકાતી હતી. યુરોપ તથા અમેરિકા વચ્ચે ટેરિફ કરાર થઈ જવાને કારણે ડોલરમાં મજબૂતાઈ આવી હતી અને સેફ હેવન માગ નબળી પડતા સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો.

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૪૧૨ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૪૩ ડોલર મુકાતું હતું. ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૬.૩૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૯.૬૨ ડોલર મુકાતુ હતું. વિશ્વ વેપાર સ્થિતિ થાળે પડી રહ્યાની ગણતરીએ ક્રુડ તેલને ટેકો મળ્યો છે. 

Tags :