ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા
- ૨૫૦૦ રૂપિયાથી ઉપરની કિંમતના વસ્ત્રો પર હવે ૧૨ ટકાના અગાઉના દરની સામે ૧૮ ટકા ટેક્સ વસૂલાશે
અમદાવાદ : જીએસટી ટેક્સ સ્ટ્રકચરમાં થયેલા મોટા ફેરફારથી સાબુથી લઈને લક્ઝરી એસયુવી સુધીની દરેક વસ્તુ સસ્તી થશે, પરંતુ ઝારા, લેવી સ્ટ્રોસ અને લેકોસ્ટે જેવી વૈશ્વિક ફેશન બ્રાન્ડોને ફટકો પડી શકે છે.
૨૯ ડોલરથી વધુ કિંમતના તમામ વસ્ત્રો પર ઊંચા વેરાથી આ કંપનીઓ મુઝવણમાં મુકાઈ ગઇ છે. ભારતમાં પ્રીમિયમ એપરલ સેગમેન્ટ વસ્ત્ર ઉદ્યોગના ૧૮ ટકા હિસ્સો ધરાવે છે અને અંદાજે ૭૦ અબજ ડોલરનો કારોબાર છે તેમ ડેટમ ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહ્યું છે.
સરકાર દ્વારા આઠ વર્ષના સૌથી મોટો ટેક્સ રીફોર્મમાં ૨૯ ડોલર એટલેકે ૨૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતના એપરલ પર ટેક્સ દર ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે પરંતુ આ રકમથી ઉપરની કિંમતના વસ્ત્રો પર હવે ૧૨ ટકાના અગાઉના દરની સામે ૧૮ ટકા ટેક્સ વસૂલાશે. તેનાથી પીવીએચ કોર્પ, માર્ક્સ એન્ડ સ્પેન્સર, ગેપ ઇન્ક, અંડર આર્મર, નાઇકી, એચ એન્ડ એમ અને જાપાનના યુનિક્લો જેવી વિદેશી બ્રાન્ડો પર દબાણ વધશે.
ફેશન કંપનીઓ વેચાણ પર ઊંચા કરવેરાની અસર અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે વૃદ્ધિની અપેક્ષાને પણ માંડી વાળી છે.
જીએસટી કાઉન્સિલે રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ પરના ટેક્સમાં ધરખમ ઘટાડો કર્યો છે, પરંતુ બુધવારે મોંઘી એસયુવી માટે આશ્ચર્યજનક રીતે ટેક્સ ૫૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કર્યો છે. આ નિર્ણયથી મસડીઝ-બેન્ઝ, ઓડી સહિતની વિદેશી કંપનીઓ ખુશ છે.