વૈશ્વિક દેવું વધીને 307 લાખ કરોડ ડોલરની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું
- વૈશ્વિક ડેટ-ટુ-જીડીપી રેશિયો વધીને ૩૩૬ ટકાના રેકોર્ડ સ્તરે
૧૦ વર્ષમાં ૧૦૦ ટ્રિલિયન ડોલરનો વધારો
અમદાવાદ : વ્યાજદરમાં વધારો અને બેંક ધિરાણ પર અંકુશ હોવા છતાં વૈશ્વિક દેવું વર્ષના બીજા ક્વાર્ટરમાં ૩૦૭ ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ (IIF)એ એક રિપોર્ટમાં કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન જેવા બજારો વૈશ્વિક દેવાના વધારામાં મુખ્ય ફાળો આપનારા હતા.
ફાઈનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ ગ્રુપ, આઈઆઈએફના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ડોલરના સંદર્ભમાં વૈશ્વિક દેવું ૨૦૨૩ના પહેલા છ મહિનામાં ૧૦ ટ્રિલિયન ડોલર અને છેલ્લા દાયકામાં ૧૦૦ ટ્રિલિયન ડોલર વધ્યું છે. આ તાજેતરના વધારા સાથે સતત બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક ડેટ-ટુ-જીડીપી રેશિયોમાં વધારો થયો છે અને તે ૩૩૬% સુધી ઉંચકાયો છે. અત્રે નોંધનીય છે કે ડેટ રેશિયો ૨૦૨૩ પહેલાના સાત ક્વાર્ટરમાં ઘટયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટ રેશિયોમાં વધારો ધીમી મંદ આર્થિક વૃદ્ધિ તેમજ ભાવ વૃદ્ધિમાં ઘટાડાને કારણે થયો છે. આઈઆઈએફ અનુસાર છેલ્લા બે વર્ષમાં દેવાના ગુણોત્તરમાં તીવ્ર ઘટાડા પાછળ ફુગાવામાં અચાનક વધારો મુખ્ય પરિબળ હતો. વેતન અને ભાવનું દબાણ હળવું થવાથી ડેટ ટુ આઉટપુટ રેશિયો વર્ષના અંત સુધીમાં વધીને ૩૩૭ ટકાને પાર થવાની ધારણા છે.
વિકસિત દેશો તાજેતરની ધિરાણ વૃદ્ધિમાં ૮૦ ટકાથી વધુ યોગદાન આપી રહ્યાં છે. તેમાં પણ મોટા અમેરિકા, જાપાન, બ્રિટન અને ફ્રાન્સે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. ઉભરતાં બજારોમાં સૌથી વધુ વૃદ્ધિ ચીન, ભારત અને બ્રાઝિલ જેવી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી નોંધવામાં આવી હતી.