FOLLOW US

વિશ્વ બજારમાં તાંબાના ભાવ 8000 ડોલરની અંદર ઊતરી 6 માસની નીચી સપાટીએ

Updated: May 25th, 2023


ચાઈનાની આર્થિક રિકવરી મંદ પડવાના અંદાજોએ...

મુંબઈ: ચાઈનાની આર્થિક રિકવરી ચાલુ વર્ષમાં વેગ પકડવાની આશા ધૂંધળી બનવા લાગતાં અને નવા પડકારોને લઈ આર્થિક મંદીનો ફફડાટ વધતાં વિશ્વ બજારમાં તાંબુ-કોપરના ભાવ તૂટીને છ મહિનામાં પ્રથમ વખત ટન દીઠ ૮૦૦૦ ડોલરની સપાટી અંદર ઊતરી ગયા છે. 

ચાઈનામાં ઝીરો કોવિડ પોલીસીના અંત બાદ આર્થિક રિકવરી વેગ પકડવાની અપેક્ષા હતી. પરંતુ વિશ્વના આ સૌથી મોટા વપરાશકાર ચાઈનાના આર્થિક વૃદ્વિના આંકડા નિરાશાજનક આવતાં આ મહિનામાં જ કોપરના ભાવ સાત ટકાથી વધુ તૂટી ગયા છે. ચાઈનામાં પ્રોપર્ટી અથવા તો ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ મોટા મૂડી ખર્ચની શકયતા ઘટતા અને નવી માંગ મંદ પડી રહી હોઈ વૈશ્વિક ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવો તાજેતરના દિવસોમાં તૂટયા છે. ચાઈનાના એપ્રિલ મહિનાના મેક્રો આંકડા નિરાશાજનક આવ્યા બાદ મેટલ માર્કેટોમાં ભાવો પર દબાણ વધતું જોવાયું છે. 

લંડન મેટલ એક્સચેન્જમાં ત્રણ મહિનાના કોપરના ભાવ સાંજે ૨૫.૫૦ ડોલર તૂટીને ૮૧૦૨ ડોલર અને એલ્યુમીનિયમના ભાવ ૩૬.૫૦ ડોલર ઘટીને ૨૨૨૭ ડોલર તેમ જ જસતના ૫૯ ડોલર ઘટીને ૨૩૭૨ ડોલર અને ટીનના ૬૩૦ ડોલર ઘટીને ૨૪,૩૨૦ ડોલર નજીક મૂકાતાં હતા. જ્યારે સ્પોટમાં કોપરના ભાવ ૭૯૬૦ થી ૭૯૬૧ ડોલર જેટલા મૂકાતા હતા. એલ્યુમીનિયમના સ્પોટમાં ૨૨૦૧ થી ૨૨૦૨ ડોલર, જસતના ૨૩૬૨ થી ૨૩૬૩ ડોલર જેટલા મૂકાતાં હતા.

Gujarat
IPL-2023
Magazines