ગિફટ સિટીને મળી બુલિયન એક્સચેન્જની ગિફ્ટ
- ગોલ્ડ પોલિસીને લગતી તમામ તૈયારીઓ અમદાવાદ IIMમાં થઈ હતી
અમદાવાદ, તા. 01 ફેબુ્રઆરી, 2020, શનિવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી ૨.૦નું પ્રથમ બજેટ રજૂ કરતા શનિવારે દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરી હતી. ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ અમદાવાદમાં શરૃ થશે એટલેકે અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના ભાવ.
નવી ગોલ્ડ પોલિસીના ભાગરૃપે આજે નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સવસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે. એક્સચેન્જની સાથે-સાથે ગિફ્ટ સિટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરૃ કરવામાં આવશે.
હાલમાં દેશમાં સોના, ચાંદી સહિતની બુલિયનના ભાવ નક્કી કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી તેથી શહેર-શહેરે ભાવ બદલાય છે અને ગ્રાહકો-રોકાણકારોમાં નારાજગી અને વિસંગતતા જોવા મળે છે.
જોકે આજે જાહેર થયેલ ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા, સ્થિરતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે, સોનાની પ્રાઈસિંગ ડિસ્કવરી થશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે.
IIMમાં બની હતી પોલિસી :
ગોલ્ડ પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો અને અંતે આજે બજેટમાં તેની જાહેરાત થઈ છે.