મુંબઈ : પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાથી દેશની તેલ રિફાઈનરીઓને થયેલી રાહત ડોલર સામે રૂપિયામાં હવે પછીની કોઈપણ નબળાઈથી ધોવાઈ જશે એમ એસબીઆઈ ઈકોરેપના એક અહેવાલમાં જણાવાયું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૩નો વધારો કરાતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેમની અન્ડર રિકવરીમાં રૂપિયા ૫૩૦૦૦ કરોડ જેટલી રાહત થશે.
વર્તમાન નાણાં વર્ષમાં તેલ રિફાઈનરીઓને થનારી અપેક્ષિત ખોટના આ રકમ પંદર ટકા જેટલી થવા જાય છે.
સરકારે શુક્રવારથી અમલી બને તે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂપિયાનો ત્રણનો વધારો કર્યો છે. લગભગ ચાર વર્ષના ગાળા બાદ આ વધારો આવી પડયો છે. જો કે ડોલર સામે રૂપિયામાં કોઈપણ વધુ ઘસારાથી ક્રુડ ઓઈલ ખરીદ શક્તિ પર અસર પડશે.
વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૭માં ડોલર સામે રૂપિયામાં વધુ બે રૂપિયાનો ઘસારો થશે તો ક્રુડ તેલની લેન્ડિંગ કોસ્ટ વધી જશે અને તેસ કંપનીઓ માટે સ્થિતિ જૈસે થે જેવી થશે.
હાલમાં તેલ કંપનીઓ દૈનિક રૂપિયા ૧૦૦૦ કરોડની ખોટ કરી રહી છે, જેનો વાર્ષિક આંક રૂપિયા ૩.૬૦ લાખ કરોડ જેટલો થવા જાય છે.


