ડેટ ફંડમાંથી ભંડોળ પાછુ ખેંચાઈ બેંક FD તરફ વળશે
- સૂચિત સુધારાથી ગોલ્ડ અને ઈન્ટરનેશનલ તેમજ તમામ ડેટ ફંડો પર પ્રતિકૂળ અસર થશે
- ફાઇનાન્સ બિલમાં સૂચિત ફેરફારની અસર
મુંબઈ : ફાઇનાન્સ બિલમાં સૂચિત ફેરફારો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે નકારાત્મક છે અને તે રોકાણકારોને ઇક્વિટી સ્કીમ તરફ વળવા તરફ દોરી શકે છે. સૂચિત સુધારાથી ગોલ્ડ ફંડ્સ અને ઈન્ટરનેશનલ ફંડ્સને પણ અસર થશે તેમ નાણાંકીય વિશ્લેષકો માને છે.
નાણાંકીય વિશ્લેષકોનું માનવું છે કે બેંક એફડી વધુ આકર્ષક બનશે, કારણ કે ડેટ ફંડ અને બેંક એફડી બંનેની પાકતી મુદતની રકમ હવે સમાન કરવેરા નેટ હેઠળ આવશે. સૂચિત ફેરફારો ૧ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી લાગુ થવાની સંભાવના છે.
જો આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે તો, તમામ ડેટ ફંડ્સ પર નકારાત્મક અસર પડશે, ખાસ કરીને રિટેલ કેટેગરીમાં, કારણ કે ઊંચી નેટવર્થ ધરાવતા લોકો બેંક એફડી જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પો પસંદ કરી શકે છે.
લાંબા ગાળાના ડેટ ફંડ્સમાંથી ઇક્વિટી ફંડ્સમાં મૂડીનો પ્રવાહ જોઈ શકીએ છીએ અને ડેટ કેટેગરીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સ, બેંક એફડી અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરની લોકપ્રિયતામાં પણ વધારો જોઈ શકીએ છીએ. બેંકો માટે આ સારા સમાચાર છે, કારણ કે તેઓ ઊંચા વ્યાજ દરોની મદદથી ગ્રાહકોને આકર્ષી શકે છે અને તેમના ધિરાણ અને બચત ખાતાના કદમાં વધારો કરી શકે છે.
વિશ્લેષકોના મત મુજબ લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીને વઘુ અસર થશે નહીં કારણ કે આ મુખ્યત્વે ટૂંકા ગાળાની યોજનાઓ છે અને ટેક્સના સંદર્ભમાં તેમાં બહુ ફેરફાર જોવા મળતા નથી. તેમનો અંદાજ છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે લગભગ રૂ. ૮ લાખ કરોડ નોન-લિક્વિડ ડેટ એયુએમ (કુલ એયુએમના ૧૯ ટકા) છે.
હાલમાં, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે ૨૦ ટકાના દરે અને ડેટ ફંડના રોકાણમાંથી ત્રણ વર્ષ દરમિયાન થયેલા તમામ લાભો પર ૧૦ ટકા ઈન્ડેક્સેશન વગર વસૂલવામાં આવે છે. બીજી તરફ, છેલ્લા ત્રણ વર્ષ માટેના રોકાણ પરનું વળતર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સને આધીન છે, જે રોકાણકારે તેના સ્લેબ રેટ પ્રમાણે ચૂકવવું પડે છે.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસના વરિષ્ઠ ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, આ પગલું વિકાસ નકારાત્મક છે અને ડેટ ફંડમાંથી આઉટફ્લોમાં વધારો કરી શકે છે. આ એક માળખાકીય પરિવર્તન છે. જા ેકે, આ અંગે સ્પષ્ટપણે કંઈ કહેવું વહેલું ગણાશે. જો આ દરખાસ્તો લાગુ કરવામાં આવે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીપ્રવાહને અસર થઈ શકે છે.