વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ
- અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફથી ફન્ડ હાઉસોનું માનસ ખરડાયું
- ઊંચા ટેરિફને કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પર દબાણ આવશે
મુંબઈ : વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા રોકાણકારો ભારતથી દૂર થઈને ચીન, દક્ષિણ કોરિઆ તથા હોંગકોંગ જેવી ઊભરતી બજારોની ઈક્વિટીસમાં રોકાણ વધારી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
નોમુરા દ્વારા ૪૫ જેટલા મોટા ઊભરતી બજારના ફન્ડોના રોકાણની કરાયેલી એનાલિસિસમાં જણાયું હતું કે ફન્ડોની ભારત માટેની ફાળવણીમાં જુલાઈમાં ૧.૧૦ ટકા ઘટાડો થયો છે જ્યારે હોંગકોંગ, દક્ષિણ કોરિઆ તથા ચીનના ઈક્વિટીસમાં તેમની ફાળવણીમાં અનુક્રમે ૮૦ બેઝિસ પોઈન્ટ, ૪૦ બેઝિસ પોઈન્ટ તથા ૭૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. ભારત તરફની ફાળવણીમાં ઘટાડા માટેનું કારણ અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ રહેલું છે.
ઊંચા ટેરિફને કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પર દબાણ આવશે તેવી ચિંતા પ્રવર્તી રહી છે. આ વધારો ફન્ડ હાઉસો દ્વારા નિર્ણયાત્મક ફેરબદલ સૂચવી રહ્યો છે. ૪૧ ફન્ડોએ ભારતમાં તેમના રોકાણમાં ઘટાડો કર્યો છે.
નોમુરાની એનાલિસિસ પ્રમાણે ૪૫ ફન્ડોમાંથી ૩૭ દ્વારા હોંગકોેંગ અને ચીનમાં રોકાણ વધારવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ કોરિઆમાં રોકાણ વધારનારા ફન્ડોની સંખ્યા ૨૯ છે.
જુલાઈના અંત સુધીમાં ૭૧ ટકા ફન્ડો માટે ભારત અન્ડરવેઈટ રહ્યું હતું જે જૂનના અંતે ૬૦ ટકા ફન્ડો માટે હતું. બીજી બાજુ હોંગકોંગ તથા ચીનને અન્ડવેઈટ કરનારા ફન્ડોની ટકાવારી જે જૂનમાં ૭૧ હતી તે જુલાઈમાં ઘટી ૫૩ પર આવી ગઈ હતી.
ફન્ડ મેનેજરો માટે જુલાઈ કઠીન રહ્યો હતો. ઊભરતી બજારના ૪૫માંથી માત્ર ૭ ફન્ડોએ એમએસસીઆઈ ઊભરતી બજારના ઈન્ડેકસ કરતા સારી કામગીરી દર્શાવી હતી.
આ અગાઉ બેન્ક ઓફ અમેરિકાએ તેના સર્વેમાં જણાવ્યું હતું કે, રોકાણકારોની પસંદગીમાં ભારત હવે તળિયે જતુ રહ્યું છે, જે મેમાં પસંદગીની યાદીમાં ટોચ પર હતું.