Get The App

ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536

- નિફટી સ્પોટ ૪૬ પોઈન્ટ ઘટીને ૨૫૪૭૬ : ઓટો, એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી

- ફોરેન ફંડોની સક્રિયતા ઘટી : DIIની કેશમાં રૂ.૯૨૧ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 1 - image


અમેરિકામાં  કોપરની આયાત પર ૫૦ ટકા ટેરિફ, ફાર્મા પર ૨૦૦ ટકા ટેરિફના ટ્રમ્પના સંકેત

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ પર તેના એક પછી એક ટેરિફ બોમ્બ ઝિંકતા રહીને અનિશ્ચિતતા સાથે અસ્થિરતા સર્જવાનું ચાલુ રાખી અમેરિકામાં કોપરની આયાત પર ૫૦ ટકા ડયુટી લાદવાનું જાહેર કરતાં અને ફાર્મા પર આકરી ડયુટી લાદવાના સંકેત સાથે ૧૪ દેશો પર ટેરિફનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટ પર નેગેટીવ અસર પડી હતી. ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે મીનિ ટ્રેડ ડિલ થવાની અટકળો અને કૃષિ, ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ભારત ખુલ્લા મૂકવા તૈયાર નહીં હોઈ અન્ય ક્ષેત્રો ઓટોમોબાઈલ, ફાર્મા સહિત પર આકરાં ટેરિફની શકયતાએ ફંડોએ આજે નવી તેજીમાં સાવચેતી બતાવી હતી. ફોરેન ફંડોની બજારમાં સક્રિયતા ઘટવા સામે સ્થાનિક ફંડોની ખરીદી જળવાઈ હતી. આ સાથે ટીસીએસના ત્રિમાસિક પરિણામ આવતીકાલે-ગુરૂવારે જાહેર થતાં પૂર્વે ફંડોએ આજે આઈટી શેરોમાં પોઝિશન હળવી કરતાં અને મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ બજાર ઈન્ડેક્સ બેઝડ નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૧૭૬.૪૩ પોઈન્ટ ઘટીને ૮૩૫૩૬.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૬.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૪૭૬.૧૦ બંધ રહ્યા હતા. અલબત સારા ચોમાસાના પોઝિટીવ પરિબળે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.

કોપર પર અમેરિકાની ૫૦ ટકા ટેરિફ : મેટલ શેરોમાં ધોવાણ : વેદાન્ત, હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો ઘટયા

અમેરિકાએ કોપરની આયાત પર ૫૦ ટકા ટેરિફ જાહેર કરતાં અને બીજી તરફ વેદાંત માટે અમેરિકી શોર્ટ સેલરના નેગેટીવ રિપોર્ટના પરિણામે આજે મેટલ-માઈનીંગ શેરોમાં હેમરિંગ થયું હતું. વેદાન્ત લિમિટેડ રૂ.૧૫.૪૦ તૂટીને રૂ.૪૪૦.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૪૨૫.૦૫, નાલ્કો રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૮૬.૨૦, એપીએલ અપોલો રૂ.૩૨.૦૫ ઘટીને રૂ.૧૭૦૭.૯૦, ટાટા સ્ટીલ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૫૯, હિન્દાલ્કો રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૬૭૩.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૯૪૫.૧૦ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૪૭.૦૪ પોઈન્ટ તૂટીને ૩૧૨૦૦.૭૦ બંધ રહ્યો હતો.

રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : ગેઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, આઈઓસી, બીપીસીએલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોએ રિલાયન્સ પાછળ વેચવાલી કરી હતી. રિલાયન્સની જિયો અને રિલાયન્સ રિટેલના લિસ્ટિંગની યોજના પાછી ઠેલાઈ હોવાના અહેવાલ વચ્ચે આજે ફંડો વેચવાલ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૧૫૧૯.૦૫ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૬૦ ઘટીને રૂ.૧૮૫.૦૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૨૨.૧૦, આઈઓસી રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૫૦.૧૦, બીપીસીએલ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૩૪૮.૬૫, એચપીસીએલ રૂ.૭.૬૫ ઘટીને રૂ.૪૪૫.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૦૩.૪૮ પોઈન્ટ ઘટીને ૨૮૧૪૯.૫૯ બંધ રહ્યો હતો.

ટીસીએસના આજે પરિણામ પૂર્વે આઈટી શેરોમાં વેચવાલી : એચસીએલ, એમ્ફેસીસ, ટેક મહિન્દ્રા ઘટયા

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના આજે-ગુરૂવારે ત્રિમાસિક પરિણામ જાહેર થનાર હોઈ ફંડોએ સાવચેતીમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૩૪.૬૫ ઘટીને રૂ.૧૬૭૪.૦૫, એમ્ફેસીસ રૂ.૪૭.૧૦ ઘટીને રૂ.૨૮૬૩, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૬.૪૦ ઘટીને રૂ.૩૮૭.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૧૯.૮૫ ઘટીને રૂ.૧૬૧૫.૨૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૬.૫૦ ઘટીને રૂ.૮૯૩૭.૯૦, ટીસીએસ રૂ.૨૨ ઘટીને રૂ.૩૩૮૪.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૫૫.૮૧ પોઈન્ટ ઘટીને ૩૭,૯૨૦.૨૮ બંધ રહ્યો હતો. 

સારા ચોમાસાએ ફંડોની એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી : હિન્દ. યુનિલિવર, ઈમામી વધ્યા

ચોમાસું સારૂ રહેતાં અને ઘણા ભાગોમાં પ્રગતિ સારી રહી હોઈ ફુગાવો-મોંઘવારી અંકુશમાં રહેવાના પોઝિટીવ પરિબળે એફએમસીજી કંપનીઓના બિઝનેસમાં વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ આજે પસંદગીના એફએમસીજી શેરોમાં ખરીદી કરી હતી. ઈમામી રૂ.૩૫ વધીને રૂ.૬૦૮.૨૫, એવરરેડ્ડી રૂ.૧૮.૦૫ વધીને રૂ.૩૪૯.૭૦, ગોદાવરી બાયો રૂ.૧૩.૩૦ વધીને રૂ.૨૮૦.૩૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૬૬.૧૫ વધીને રૂ.૨૦૭૯.૨૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૯.૬૫ વધીને રૂ.૨૪૨૨.૬૫, બ્રિટાનીયા રૂ.૪૪.૩૦ વધીને રૂ.૫૮૮૩.૫૫, ઈઆઈડી પેરી રૂ.૯.૩૦ વધીને રૂ.૧૦૮૮.૧૫, ઝાયડસ વેલનેસ રૂ.૫૪.૮૫ વધીને રૂ.૨૦૩૫.૬૦, ગોપાલ સ્નેક્સ રૂ.૬.૮૫ વધીને રૂ.૩૫૮.૯૦, ડાબર રૂ.૯.૨૫ વધીને રૂ.૫૨૨.૧૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૫૧.૭૪ પોઈન્ટ વધીને ૨૦,૫૭૭.૬૩ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સિલેક્ટ્વિ ખરીદી : એમઆરએફ રૂ.૫૯૫૬ ઉછળ્યો : હ્યુન્ડાઈ, હીરો મોટોકોર્પમાં તેજી

સારા ચોમાસાના આકર્ષણે ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. એમઆરએફ રૂ.૫૯૫૬.૪૦ ઉછળીને રૂ.૧,૫૦,૮૭૯.૩૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૬.૩૫ વધીને રૂ.૨૦૯૧.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૬૫ વધીને રૂ.૪૩૩૪.૮૦,  બોશ રૂ.૩૦૪.૪૫ વધીને રૂ.૩૫,૮૧૦.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૯.૫૦ વધીને રૂ.૩૧૭૭.૦૫, મારૂતી સુઝુકી રૂ.૪૮.૭૫ વધીને રૂ.૧૨,૪૬૮.૬૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીની તેજી છતાં ઘણા શેરોમાં વેચવાલી : ૨૦૧૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે  સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયા સામે ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી કર્યા છતાં ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૪૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૨  અને ઘટનારની સંખ્યા ૨૦૧૩ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૯૨૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  બુધવારે શેરોમાં કેશમાં રૂ.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૯૩૦.૭૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૫૩.૭૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૯૨૦.૮૩  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૫૦.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૨૯.૩૯ કરોડની વેચવાલી કરી હતી.

યુરોપના બજારોમાં તેજી :  જાપાનનો નિક્કી વધ્યો ઃ અમેરિકામાં સુધારો

વૈશ્વિક બજારોમાં આજે યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે તેજી જોવાઈ હતી. જર્મનીનો ડેક્ષ સાંજે ૩૭૨ પોઈન્ટનો ઉછાળો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૧૪ પોઈન્ટનો વધારો અને લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૬ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૩૨ પોઈન્ટનો સુધારો, હોંગકોંગનો હેંગસેંગ ૨૫૬ પોઈન્ટનો ઘટાડો અને ચાઈનોના સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકાના શેર બજારોમાં ખુલતાંમાં ડાઉ જોન્સ ૨૬૬ પોઈન્ટનો સુધારો અને નાસ્દાક ૧૬૩ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.

Tags :