ફન્ડ હાઉસો તથા FIIએ યસ બેન્કમાં શેરહોલ્ડિંગ અડધુ કરી નાખ્યું
- ૨૦૧૮થી સંસૃથાકીય રોકાણકારો દ્વારા રોકાણમાં કરાતો ઘટાડો
મુંબઈ, તા. 07 માર્ચ 2020, શનિવાર
મ્યુચ્યુઅલ ફન્ડો તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ યસ બેન્કમાં પોતાના રોકાણને છેલ્લા બે વર્ષમાં લગભગ અડધા કરી નાખ્યા હતા.
પ્રાપ્ત આંકડા પ્રમાણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) તથા મ્યુચ્યુઅલ ફન્ડોએ ૨૦૧૮ના સપ્ટેમ્બર ત્રિમાસિકથી યસ બેન્કમાં પોતાના હિસ્સા ઘટાડવાનું ચાલુ કરીને ડિસેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક સુધીમાં પચાસ ટકા ઓછા કરી નાખ્યા હતા.
મ્યુચ્યુઅલ ફન્ડોનું શેરહોલ્ડિંગ જે સપ્ટેમ્બર ૨૦૧૮ ત્રિમાસિકમાં ૧૦.૫૫ ટકા હતું તે ડિસેમ્બર ૨૦૧૯ ત્રિમાસિકમાં ઘટીને ૫.૦૯ ટકા રહ્યું હતું. એફઆઈઆઈનું હોલ્ડિંગ પણ આ ગાળામાં ૩૯.૫૦ ટકા પરથી ઘટી ૧૫.૧૭ ટકા પરઆવી ગયું હતું. આમ યસ બેન્કના ભાવમાં ઘટાડા સાથે સંસ્થાકીય રોકાણકારોએ પોતાના રોકાણ પાછા ખેંચી લીધા હોવાનું જણાય છે.
૨૦૦૫માં શેરબજારોમાં લિસ્ટેડ થયા બાદ યસ બેન્કનો શેરભાવ ૨૦ ઓગસ્ટ ૨૦૧૮ના રૂપિયા ૪૦૪ની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં પતન શરૂ થયું હતું.
યસ બેન્ક પર રિઝર્વ બેન્કનું નિયંત્રણ આવી ગયા બાદ બેન્કનો શેરભાવ ૫૬ ટકા જેટલો તૂટી જતાં રોકાણકારોએ રૂપિયા ૫૦૦૦ કરોડથી વધુનું નુકસાન ભોગવ્યું પડયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અનેક મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોએ તેમની વિવિધ સ્કીમ્સ હેઠળના નાણાંનું મુશકેલીમાં મુકાયેલી યસ બેન્કના શેર, બોન્ડસ તથા એનસીડીમાં જંગી રોકાણ કરેલું છે.
નિપ્પોન ઈન્ડિયાની ચાર સ્કીમ્સ મારફત યસ બેન્કના એનસીડી અથવા બોન્ડસમાં નાણાં રોકાયેલા છે. આજરીતે ફ્રેન્કલિન ટેમ્પલેશન, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડ સહિત ૩૨ જેટલા ફન્ડ હાઉસોએ પણ પોતાની વિવિધ સ્કીમ્સ મારફત યસ બેન્કના સાધનોમાં રોકાણ કર્યા હોવાનું એક રિસર્ચ પેઢીએ જણાવ્યું હતું.
વિવિધ ફન્ડ હાઉસોની મળીને કુલ રૂપિયા ૨૮૦૦ કરોડ જેટલી રકમ યસ બેન્કમાં અટવાયેલી છે.