મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને ધ્યાનમાં રાખી ઘરઆંગણે પૂરવઠાની ખાતરી રાખવા ભારતે પોતાના ફ્યુઅલ પ્રોડકટસની નિકાસમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મેમાં ભારત ખાતેથી ફ્યુઅલ પ્રોડકટસની નિકાસ ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ ઉપરાંત રિફાઈનરી મેન્ટેનન્સને કારણે નિકાસ પર અંકૂશ મુકાયો છે.
ડીઝલ, ગેસોલિન તથા જેટ ફ્યુઅલ સહિતના પ્રોડકટસની નિકાસ મેમાં પ્રતિ દિન સરેરાશ ૮૭૮૦૦૦ બેરલ્સ રહી હતી, જે ઓકટોબર ૨૦૨૨ બાદ સૌથી નીચી છે. ગયા વર્ષના મેની સરખામણીએ ૩૧ ટકા ઓછી છે એમ એનાલિટિક્સ પેઢી કેપ્લરના ડેટા જણાવે છે.
મધ્ય પૂર્વના સંઘર્ષને પરિણામે હોર્મુઝ ખાડી બંધ હાલતમાં છે જેને પરિણામે વૈશ્વિક ગ્રાહકોને ક્રુડ તથા ઈંધણનો પ્રવાહ લગભગ અટકી પડયો છે.
આવી સ્થિતિમાં ભારત સહિતના એશિયાના દેશો ઘરઆંગણે ઈંધણનો પૂરવઠો ન ખોરવાઈ જાય તેની ખાતરી રાખવા નિકાસ પર અંકૂશ રાખી રહ્યા છે.
ભારતમાં રિફાઈનરોએ અન્ય ઈંધણના સ્થાને એલપીજીના ઉત્પાદન તરફ વળવાને કારણે પણ નિકાસમાં ઘટાડો થયાનું સદર પેઢીના સુત્રોએ જણાવ્યું હતું. આ ફેરફારને કારણે ગેસોલિન તથા ગેસ ઓઈલ નિકાસ પર અસર પડી છે.


