UK-India Trade Relations : ભારત માટે મુક્ત વેપાર સમજૂતી (FTA) ફળદાયી સાબીત થઈ રહી છે. ભારત વિકાસશીલ, ઉભરતું અને હરણફાળ ગતિએ આગળ વધતું દેશ બની ગયું હોવાથી અનેક દેશોની કંપનીઓ ભારતમાં વેપાર કરવા માટે થનગની રહી છે, ત્યારે હવે બ્રિટનની કંપનીઓ પણ ભારતમાં રોકાણ અને વેપાર કરવા માટે આતૂર બની છે.
બ્રિટનની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતૂર
રિપોર્ટ મુજબ, બ્રિટનની અનેક કંપનીઓએ ભારતમાં રોકાણ કરવા અને પોતાનો કારોબાર વધારવા માટે પ્લાન બનાવી દીધો છે. આ ઉપરાંત નવી કંપનીઓ એન્ટ્રી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ગ્રાન્ટ થોર્નટનના ‘ઈન્ટરનેશનલ બિઝનેસ’ રિપોર્ટ મુજબ, બ્રિટનની કંપનીઓએ ભારતમાં રોકાણ અને પોતાનો હાલનો બિઝનેસ વધારવા માટે ઝડપી કામગીરી શરૂ કરી દીધી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, બ્રિટનની કુલ 72 ટકા કંપનીઓ ભારત પર પસંદગી ઉતારી છે, કારણ કે તેઓના મતે આંતરરાષ્ટ્રીય વિકાસની દ્રષ્ટિએ અને વિશ્વના સૌથી ઉભરતા માર્કેટ તરીકે ભારત શ્રેષ્ઠ છે. આ જોતા એવું લાગે છે કે, બ્રિટનની કંપનીઓની વૈશ્વિક રણનીતિ મુજબ ભારત એક મહત્ત્વનો દેશ બની ગયો છે.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે ચીને અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો, હવે શું કરશે ટ્રમ્પ?
ભારતમાં બ્રિટનની 28 ટકા કંપની કાર્યરત
રિપોર્ટ મુજબ, ભારતમાં વર્તમાન સમયમાં બ્રિટનની 28 ટકા કંપની કાર્યરત છે, પરંતુ તેમાંથી 73 ટકા કંપનીઓ પોતાની હાજરી વખત ભારતમાં કારોબાર શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આમાંથી 13 ટકા કંપનીઓ આગામી 12 મહિનામાં ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
ભારત-યુકે વચ્ચે CETA કરાર
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જુલાઈમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે ભારત-બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર બાદ બંને દેશો વચ્ચે 44.1 અબજ પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર વધવાની આશા છે. રિપોર્ટ મુજબ, એફટીએના કારણે બંને દેશો વચ્ચેનો વેપાર સરળ બનશે, સંચાલનનો ખર્ચ પણ ઘટશે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.


