Get The App

૨૦૨૪થી ભારતીય બજારમાં 30 અબજ ડોલરના શેરોનું વેચાણ જોવા મળવા વકી

- કંપનીના માલિકો તથા શેરધારકો અન્યત્ર રોકાણ કરવા ઉત્સુક હોઇ પોતાના શેરોનું વેચાણ કરી ભંડોળ ઉભુ કરશે

Updated: Sep 20th, 2023

GS TEAM


Google News
Google News
૨૦૨૪થી ભારતીય બજારમાં 30 અબજ ડોલરના શેરોનું વેચાણ જોવા મળવા વકી 1 - image


મુંબઈ : ૨૦૨૪  તથા  ત્યારબાદ આવનારા  વર્ષોમાં ભારતીય શેરબજારમાં  પ્રાઈમરી તથા સેકન્ડરી માર્કેટ મારફત વાર્ષિક અંદાજે ઓછામાં ઓછા ૩૦ અબજ ડોલરની કિંમતના શેરોનું વેચાણ થવાની ધારણાં છે. 

કંપનીઓ તથા તેના શેરધારકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના હાલના શેરોનું વેચાણ કરી ભંડોળ ઊભુ કરવાનો વ્યૂહ ધરાવે છે. 

વર્તમાન વર્ષમાં  અત્યારસુધીમાં શેરબજારમાંથી ૧૦  અબજ ડોલર કરતા વધુ રકમ ઊભી કરી લેવાઈ છે જે ૨૦૨૨ના સંપૂર્ણ વર્ષમાં શેરોના વેચાણ મારફત જેટલી રકમ ઊભી કરાઈ હતી, તેના કરતા વધુ છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

ભારતીય કંપનીના માલિકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના શેરો વેચવા આતુર હોવાથી શેરોના વેચાણ જળવાઈ રહેશે. 

૨૦૨૪ બાદ તો એકલા બ્લોક ટ્રેડસ મારફત જ સરેરાશ ૧૦ અબજ ડોલર જેટલી રકમ ઊભી થવાનું જોવા મળશે એમ જેપી મોર્ગનના ભારત ખાતેના ઈક્વિટી વડા અભિનવ ભારતીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષમાં બ્લોેક ટ્રેડસની સરખામણીએ ભારતમાં આઈપીઓ પ્રવૃત્તિ ધીમી પડી છે. ૨૦૨૩માં કંપનીઓએ શેરોના પ્રથમ વેચાણ મારફત અત્યારસુધીમાં ૩.૨૦ અબજ ડોલર જેટલી રકમ ઊભી કરી લીધી છે. જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૫.૫૦ અબજ ડોલર ઊભી કરાઈ હતી. 

મે ૨૦૨૨માં એલઆઈસીના ૨.૭૦ અબજ ડોલરના આઈપીઓ બાદ અત્યારસુધીમાં ૧ અબજ ડોલરથી વધુનો એક પણ આઈપીઓ હજુ સુધી જોવા મળ્યો નથી. 

આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી બાદ કેટલાક મોટા આઈપીઓ જોવા મળવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને ટેકનોલોજી તથા ફાઈનાન્સિઅલ સર્વિસીઝ તથા કન્ઝયૂમર ક્ષેત્રની કંપનીઓના મોટા આઈપીઓ જોવા મળવા વકી છે. 

Tags :