મુંબઈ : ભારતે વિવિધ દેશો સાથે કરેલા મુકત વેપાર કરારને પરિણામે દેશની તિજોરીને આગામી નાણાં વર્ષમાં કસ્ટમ્સ ડયૂટીના રૂપમાં રૂપિયા એક ટ્રિલિયનથી વધુનો ફટકો પડી શકે છે. સૌથી વધુ ફટકો એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) સાથે થયેલા કરારમાં પડવાનો અંદાજ મુકાયો છે. આગામી નાણાં વર્ષ માટેના બજેટ દસ્તાવેજમાં એશિયન દેશો ખાતેથી આયાત પર રૂપિયા ૪૦૮૩૩ કરોડનો માર પડવા અંદાજ મુકાયો છે.
આસિયાન ખાતે નિકાસ કરતા આયાતમાં નોંધપાત્ર વધારો થઈ જતા નીતિવિષયકોએ આ દેશો સાથેના વેપાર કરાર પર ફેર નજર નાખવાની જરૂરત હોવાનો મત વ્યકત કર્યો છે.
૨૦૨૩માં બન્ને પક્ષોએ કરારની રિવ્યૂ કરવા સહમતિ દર્શાવી હતી જે માટે ૨૦૨૫ સુધીની મુદત નિશ્ચિત કરાઈ હતી. આ મુદત હવે વીતિ ગઈ છે.
આ સામે ભારતે પોતાની નારાજગી પણ વ્યકત કરી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. અન્ય દેશોમાં જાપાન ખાતેથી થનારી આયાત પર ભારતને રૂપિયા ૧૧૩૬૫ કરોડ, દક્ષિણ આફ્રિકા ખાતેથી આયાત પર રૂપિયા ૧૦૮૭૨ કરોડ તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી આયાત પર રૂપિયા ૫૧૦૭ કરોડનો ફટકો પડવાનો બજેટમાં અંદાજ મુકાયો છે.
આ ઉપરાંત યુએઈ સાથેના કરારને કારણે આગામી નાણાં વર્ષમાં ભારતને કસ્ટમ્સ ડયૂટીના રૂપમાં રૂપિયા ૯૨૬૭ કરોડનો ફટકો પડવાનો અંદાજ છે. યુએઈ સાથે ભારતે મે ૨૦૨૨માં મુકત વેપાર કરાર કર્યા હતા.
ટેરિફ ઘટાડાને કારણે કસ્ટમ્સ મારફતની વસૂલી પર તાણ આવી ગઈ છે. કેન્દ્રની વેરા મારફતની કુલ આવકમાં કસ્ટમ્સ ડયૂટીનો હિસ્સો તાજેતરના વર્ષોમાં ૬-૭ ટકા પર પહોંચી ગયો છે.
નાણાં વર્ષ ૨૦૨૭માં કસ્ટમ્સ ડયૂટી મારફતની આવક પાંચ ટકા વધી રૂપિયા ૨.૭૦ ટ્રિલિયન પહોંચવા અંદાજ છે.
છેલ્લા પાંચ વર્ષમાં ૩૮ દેશોને આવરી લેતા નવ વેપાર કરાર ભારતે કર્યા છે આમાંના કેટલાકનો અમલ થઈ ગયો છે તો કેટલાકનો નજીકના ભવિષ્યમાં થવાની અપેક્ષા છે.
મુકત વેપાર કરાર મારફત ભારત હવે વિશ્વની ૭૦ ટકા બજાર જોડાણમાં પ્રાથમિકતા ધરાવે છે, એમ વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું.


