અમદાવાદ : ભારતીય આઈટી સેક્ટરમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ ૧૫ દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ આઈટી શેરોમાં ભારે વેચાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન આશરે ૧૦,૯૫૬ કરોડનો ઉપાડ માત્ર આઈટી સેક્ટરમાં જ જોવા મળ્યો છે અને તેના કારણે આ સેક્ટરમાં વિદેશી હોલ્ડિંગ ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે.
અહેવાલ મુજબ, આઈટી કંપનીઓમાં કુલ એફઆઈઆઈ હોલ્ડિંગ ઘટીને ૪.૪૯ લાખ કરોડ થયું છે. જાન્યુઆરી ૨૦૨૬ના અંતે આ આંકડો ૫.૩૪ લાખ કરોડ હતો, જે ફક્ત બે અઠવાડિયામાં આશરે ૧૬ ટકાનો ઘટાડો દર્શાવે છે.
અત્રે નોંધનીય છે કે ૨૦૨૫ની શરૂઆતમાં આ રોકાણ ૭.૩ લાખ કરોડના રેકોર્ડ સ્તરે હતું. 'જનરેટિવ AI' ને કારણે અનિશ્ચિતતા વધતા આવેલા આ કડાકાએ રોકાણકારોની ચિંતા વધારી છે. બજારના નિષ્ણાતોના મતે કોડિંગ, ઓટોમેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એઆઈ ઝડપથી વધુ કાર્યક્ષમ બની રહ્યું છે. રોકાણકારોને ડર છે કે આ ભવિષ્યમાં પરંપરાગત આઈટી સેવાઓની માંગને અસર કરી શકે છે.
ભારતની અગ્રણી આઇટી કંપનીઓ ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રા મુખ્યત્વે માનવશક્તિ આધારિત સર્વિસિસમાંથી આવક ઉત્પન્ન કરે છે. આ જ કારણ છે કે ફેબ્રુઆરી દરમિયાન આ શેરોમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ મસમોટો ૧૪ ટકાનો ઘટાડો થયો છે.
માત્ર વિદેશી રોકાણકારો જ નહીં, પરંતુ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોને પણ નુકસાન થયું છે. ૧૩ ફેબ્રુઆરી સુધીમાં, ટોચના ૧૦ આઈટી શેરોમાં જાન્યુઆરીના અંતના ૩.૫૬ લાખ કરોડના મ્યુચ્યુઅલ ફંડના રોકાણથી ઘટીને ૩.૦૪ લાખ કરોડ થયું છે. એવો અંદાજ છે કે આ ઘટાડાથી રોકાણકારોની વેલ્થમાં આશરે ૫૦,૦૦૦ કરોડનો ઘટાડો થયો છે.
આઈટીમાંથી પરત ખેંચાઈ રહેલા પૈસા હવે અન્ય ક્ષેત્રોમાં ડાયવર્ટ થઈ રહ્યાં છે. ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં, એફઆઈઆઈએ કેપિટલ ગુડ્સમાં ૮૦૩૨ કરોડ અને ફાઈનાન્શિયલ સર્વિસિસમાં ૬૧૭૫ કરોડનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, મેટલ અને માઈનિંગ સેક્ટરમાં પણ રૂ. ૩૨૭૯ કરોડની ખરીદી નોંધાઈ હતી. આ ટ્રેન્ડ રોકાણકારો હાલમાં માળખાગત સુવિધાઓ અને ઉત્પાદન સંબંધિત ક્ષેત્રોને પ્રમાણમાં સલામત માનતા હોય તેવો સંકેત આપે છે.
રોકાણકારો આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ ના વધતા હાઉથી ચિંતિત છે. આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સની બોલબાલા વધતા ભારતીય આઈટી કંપનીઓ તેમની કમાણી અને ઉત્પાદકતા જાળવી શકશે કે કેમ તે પ્રશ્નાર્થ ઉદભવ્યો છે. આનું કારણ એ છે કે આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ કાર્યને સ્વચાલિત કરી શકે છે અને પ્રોજેક્ટ પૂર્ણતાને ઝડપી બનાવી શકે છે. જે સ્થાનિક આઈટી કંપનીઓના બિઝનેસ મોડેલ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે. આઈટી કંપનીઓ પર આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ ના સતત પ્રભાવ અને યુએસમાં વ્યાજ દરમાં ઘટાડાની આશા નબળી પડવાની સતત આશંકાઓને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. જેના કારણે ભારતીય આઈટી કંપનીઓની સેવાઓની માંગ પર અસર થવાની ચિંતા વધી છે.


