Get The App

એફપીઆઈની ઈક્વિટીમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની નેટ ખરીદી

- ઊંચા વ્યાજ દરોને પરિણામે ભારતીય ઋણ સાધનોમાં પણ વિદેશી રોકાણકારોનું જળવાયેલું આકર્ષણ

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
એફપીઆઈની ઈક્વિટીમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની નેટ ખરીદી 1 - image


મુંબઈ : સમાપ્ત થયેલા સપ્ટેમ્બરમાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ)એ રૂપિયા ૫૬૨૧૯ કરોડની નેટ ખરીદી કરી હતી. જેને પરિણામે ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં દેશની ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોનો ઈન્ફલોસ રૂપિયા એક લાખ કરોડના આંકને પાર કરી ગયો છે. ઈક્વિટીસ  ઉપરાંત દેશના ઋણ બજારમાં પણ એફપીઆઈસનું આકર્ષણ જોવા મળ્યું છે.

૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીસમાં રૂપિયા ૧૦૨૨૮૮ કરોડ જ્યારે ઋણ સાધનોમાં રૂપિયા ૧૦૬૬૦૮ કરોડની નેટ ખરીદી કરી હોવાનું સેબીના ડેટા જણાવે છે. વર્તમાન વર્ષમાં ઈક્વિટીસમાં કુલ ખરીદીમાંથી પચાસ ટકાથી વધુ ખરીદી એકલા સપ્ટેમ્બરમાં જ જોવા મળી છે. 

ઊભરતી બજારોમાં ભારતમાં ઋણ સાધનો પર પ્રમાણમાં ઊંચા વ્યાજ દરને કારણે એફપીઆઈસનું દેશના ઋણ સાધનોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે.

સ્ટીમ્યુલ્સને પગલે ચીનના અર્થતંત્રમાં જોવા મળી રહેલા સુધારાને પરિણામે વિદેશી રોકાણકારો ભારતમાંથી ઉચાળા ભરી ચીનની બજારોમાં નાણાં ઠાલવવાનું શરૂ કરશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે ભારતના ફન્ડામેન્ટલ મજબૂત હોવાથી એફપીઆઈસની વેચવાલી મર્યાદિત રહેશે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.

વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ભારતીય ઈક્વિટીસમાં એફપીઆઈસનો ઈન્ફલોસ ડીસેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી ઊંચો છે. ગત ડીસેમ્બરમાં એફપીઆઈસનો રોકાણ આંક રૂપિયા ૬૬૧૩૫ કરોડ રહ્યો હતો. 

વર્તમાન વર્ષના જૂનથી એફપીઆઈસ ભારતીય બજારમાં દર મહિને સતત નેટ ખરીદદાર રહ્યા છે. ચીનમાં રિકવરીને પગલે આ ખરીદીમાં ઓટ આવવાની શકયતા નકારાતી નથી.  

સોમવાર સુધીના નવ સત્ર  સુધી  ચીનના શેરબજારમાં સુધારો જોવા  મળ્યો છે જે ચીન સરકાર દ્વારા તાજેતરમાં પૂરા પડાયેલા સ્ટીમ્યુલ્સ હવે કામ કરી  રહ્યાના સંકેત આપે  છે. ચીનમાં એક સપ્તાહ લાંબી રજા પૂર્વના અંતિમ સત્રમાં રોકાણકારો દ્વારા જંગી ખરીદી જોવા મળી હતી. ચીનમાં એફપીઆઈસ પણ સક્રિય બની રહ્યાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. 


Tags :