FPIની આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ભારે વેચવાલી, ઓટો ક્ષેત્રમાં નવી ખરીદી
- એફપીઆઈ પ્રવાહ વધતા ઓગસ્ટમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ વધ્યો
અમદાવાદ : ઓગસ્ટના બીજા પખવાડિયા દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) સ્થાનિક ઇક્વિટીમાં રૂ. ૧૪,૦૨૦ કરોડના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. તેમની વેચવાલીથી, નાણાકીય સેવાઓ (ફાઇનાન્સ) અને આઈટી શેરોને સૌથી મોટો ફટકો પડયો હતો. જયારે ઓટો ક્ષેત્રમાં નવું રોકાણ કર્યું હતું.
એફપીઆઈની સૌથી વધુ વેચવાલી નાણાકીય સેવાઓમાં જોવા મળી હતી, એફપીઆઈએ આ ક્ષેત્રમાંથી રૂ. ૯,૮૧૭ કરોડ પાછા ખેંચી લીધા હતા. તે પછી આઇટી (રૂ. ૪,૯૦૫ કરોડ), ઓઈલ ગેસ (રૂ. ૨,૦૧૭ કરોડ), વીજળી (રૂ. ૧,૭૦૮ કરોડ) અને ટેલિકોમ (રૂ. ૧,૬૮૦ કરોડ)નો ક્રમ આવે છે.
બીજી તરફ, એફપીઆઈ દ્વારા ઓટોમોબાઇલ્સ અને ઓટો ઘટકો (રૂ. ૨,૬૧૭ કરોડ) ખરીદી કરવામાં આવી હતી. એફપીઆઈ એ સેવાઓ (રૂ. ૧,૯૬૭ કરોડ), રસાયણો (રૂ. ૧,૧૬૧ કરોડ), બાંધકામ સામગ્રી (રૂ. ૭૮૫ કરોડ) અને મૂડી માલ (રૂ. ૭૬૪ કરોડ)માં નવી લેવાલી કરી હતી.
ઓગસ્ટમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સકારાત્મક એફપીઆઈ પ્રવાહને કારણે ૫.૫ ટકાનો વધારો થયો હતો, જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧.૪ ટકા ઘટયો હતો.