FPI ફરી સાવચેત : 16 દિવસમાં છ અબજ ડોલરની ખરીદી બાદ ફરી વેચવાલ
- ચાઈના-અમેરિકા ટેરિફ ડિલ અને યુદ્વની સ્થિતિમાં વિરામ વચ્ચે ફોરેન ફંડોએ શેરોમાં નવી ખરીદી અટકાવી
મુંબઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ અને ટેરિફ મામલે અમેરિકાની અનિશ્ચિતતા છતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં શેરોમાં સતત ૧૬ દિવસથી ખરીદદાર બન્યા બાદ ફોરેન ફંડોની ખરીદી અટકીને હવે નેટ વેચવાલ બનવા માંડયા છે.
૧૫, એપ્રિલથી ભારતીય શેરોમાં એફપીઆઈઝએ સતત ૧૬ ટ્રેડિંગ સત્રમાં ૬ અબજ ડોલરથી વધુ રોકાણ-ખરીદી કર્યા બાદ૯, મે ૨૦૨૫ના વેચવાલ બન્યા બાદ ૧૩, એપ્રિલના પણ શેરોમાં રૂ.૪૭૭ કરોડ જેટલી વેચવાલી કરી છે. જ્યારે બીજી તરફ ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી મોટાપાયે ખરીદદાર બનતા જોવાયા છે.
એફપીઆઈઝ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦ દિવસ માટે ટેરિફનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યા ત્યારથી સતત શેરોમાં ખરીદદાર બન્યા હતા. એફપીઆઈઝે ૯, મે ૨૦૨૫ના રોજ ૨૮.૧૦ કરોડ ડોલરના શેરોની નેટ વેચવાલી કર્યાનું એનએસડીએલના આંકડામાં દર્શાવાયું હતું.
જો કે ૧૨, મેના રોજ એફપીઆઈઝની રૂ.૧૨૪૬ કરોડના શેરોની નેટ ખરીદી રહી હતી. જે ગઈકાલે મંગળવારે ૧૩, મેના રોજ પણ એફપીઆઈઝની રૂ.૪૭૭ કરોડના શેરોની નેટ વેચવાલી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મધ્ય એપ્રિલથી અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફટીમાં ૧૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. તાજેતરની તેજી અને ફોરેન ફંડોની ખરીદીના કારણે ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે નબળો પડતો જોવાયો છે. કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન પણ એકંદર નિરૂત્સાહી રહી છે.
કોટક ઈન્સ્ટીટયુશનલ ઈક્વિટીઝે નિફટી ૫૦ અર્નિંગમાં વાર્ષિક ધોરણે માત્ર ૪.૮ ટકા વૃદ્વિ નોંધાવી હોવાનું નોંધ્યું છે. જે વૃદ્વિ જોવાઈ છે એ કન્ઝયુમર, આઈટી અને કેપિટલ ગુડઝ જેવા ક્ષેત્રો પૂરતી મર્યાદિત રહી છે. અલબત વ્યાપક સ્તરે વેલ્યુએશન લાલબત્તી બતાવી રહ્યું છે. બેંકો, ટેલીકોમ સહિતના ઘણા ક્ષેત્રો અત્યારે પૂર્ણ વેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યા છે.
મિડ અને સ્મોલ કેપ સેગ્મન્ટોમાં વેલ્યુએશન તણાયેલું અને કંપનીઓના પરિણામો સતત હતાશાજનક રહ્યા તો રેટિંગ ડાઉનગ્રેડનું જોખમ વધતું હોવાનું જોવાઈ રહ્યું છે.
બર્સ્ટેઈનના તાજેતરના રિપોર્ટમાં નાણા વર્ષ ૨૦૨૬ની એનએસઈ ૧૦૦ કંપનીઓ માટે કમાણીમાં વૃદ્વિનો અંદાજ ૧૫ ટકા મૂકાયો છે. જ્યારે એનએસઈ ૨૦૦ માટે ૧૪ ટકા વૃદ્વિનો અંદાજ મૂકાયો છે. એનએસઈ ૨૦૦ માટે માર્જિનમાં ૧૨૬ બેઝિઝ પોઈન્ટ વધીને ૧૫.૫ ટકાનો અંદાજ મૂકાયો છે. ચોથા ત્રિમાસિકના પરિણામો એકંદર નબળા રહ્યા છે, હવે નાણા વર્ષ ૨૦૨૬ માટે કમાણીમાં વૃદ્વિનો અંદાજ ૧૦થી ૧૨ ટકા મૂકાયો છે.