ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો
- ભારત, બ્રાઝિલ, હોંગકોંગ અને તાઈવાનના બજારોમાં ઠલવાતો વિદેશી મૂડી પ્રવાહ
- રોકાણકારો દ્વારા રિડમ્પશનના ધસારાથી અમેરિકાના ફન્ડો દબાણ હેઠળ
મુંબઈ : ઊભરતી બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતીભર્યો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફન્ડોના થયેલા પલાયન બાદ આ ફન્ડો ફરી પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફન્ડો પાછા ઊભરતી બજારો તરફ નજર દોડાવવા લાગ્યા હોવાનુંમાનવામાં આવે છે.
ભારત, બ્રાઝિલ, હોંગકોંગ અને તાઈવાન સહિતની મુખ્ય ઊભરતી બજારોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી રહી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.
વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો, ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે.
અગાઉ આ પ્રકારની મોટી ખરીદી જુલાઈ ૨૦૨૪માં ભારતીય શેરોમાં ૫.૧ અબજ ડોલરની નોંધાઈ હતી. વિદેશી હતી.અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા સુધરીને ૮૪.૪૯ રહ્યો છે. જે નવેમ્બર ૨૦૨૨ બાદનો એક દિવસનો સૌથી વધુ વધારો છે. એફપીઆઈઝનો શેરોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં ૧.૨૬ અબજ ડોલર, માર્ચ ૨૦૨૫માં ૨૩.૪ અબજ ડોલર રહ્યો હતો.
જે ફેબુ્રઆરી ૨૦૨૫માં ૫૩.૫ લાખ ડોલરની નેટ વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૫માં ૮.૪૨ અબજ ડોલરની નેટ વેચવાલી અને ડિસેમ્બર ૨૦૨૪માં ૧.૩૨ અબજ ડોલરની નેટ ખરીદી નોંધાઈ હતી.
અમેરિકાની ચૂંટણી બાદ ભારતમાંથી ચાલી ગયેલા ૭.૭૦ અબજ ડોલરમાંથી છેલ્લા ત્રણ સપ્તાહમાં અંદાજે ૯૬ કરોડ ડોલર પરત આવ્યા હોવાનું સદર રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જે થયેલા આઉટફલોના ૧૨ ટકા જેટલા થવા જાય છે.
તાઈવાનમાં પણ ૧૦ ટકા જેટલું વિદેશી રોકાણ પરત આવ્યું હોવાનું જણાવાયું હતું.
ઊભરતી બજારોમાં વિદેશી રોકાણકારોના ફરી વધી રહેલા રસનું કારણ અમેરિકાના ફન્ડસ આ બજારો તરફ વળી રહ્યા છે એટલું જ નહીં નાણાં વ્યવસ્થામાં વૈશ્વિક લિક્વિડિટી વધી રહી છે. અમેરિકાના ફન્ડોમાંથી અમેરિકન રોકાણકારો દ્વારા નાણાં પાછા ખેેંચાઈ રહ્યા હોવાથી આ ફન્ડો સતત દબાણ હેઠળ આવી ગયા છે.
ટેરિફ વોરને કારણે અમેરિકા મંદીમાં ગરકાવ થઈ જવાની શકયતાને ધ્યાનમાં રાખીને પણ વિદેશી ફન્ડો ઊભરતી બજારો તરફ ફરી નજર દોડાવવા લાગ્યા છે.