Get The App

ભારતમાં ડોલર કરતા પ્રથમ વખત યુરો સસ્તો થયો

Updated: Aug 23rd, 2022

GS TEAM

Google News
Google News
ભારતમાં ડોલર કરતા પ્રથમ વખત યુરો સસ્તો થયો 1 - image


- અમેરિકા આક્રમક રીતે વ્યાજના દર વધારશે એવા સંકેતથી ડોલર મજબૂત

- અમેરિકન ડોલર ઇન્ડેક્સ 109.06 થતા 99 સેન્ટમાં એક ડોલર મળતો થયો  ભારતના રૂપિયા માટે ડોલરનો ભાવ 79.87 અને યુરોનો ભાવ 79.33 થઇ ગયા

અમદાવાદ : અમેરિકામાં ધારણા કરતા વધારે ઝડપથી વ્યાજના દર વધવાના ચાલુ રહેશે એવા સંકેત વચ્ચે અમેરિકન ડોલરમાં વૈશ્વિક સ્તરે મજબૂતી જોવા મળી રહી છે. ડોલર સામે યુરોપીયન યુનિયનની કરન્સી યુરો નબળી પડી છે. બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. આજે ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ કે જે ભારતીય બજાર બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ સામે સસ્તો થઇ ગયો હતો  ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો. યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ આજે પ્રથમ વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.

દરમિયાન, હાઉસિંગ અને રીઅલ એસ્ટેટ માર્કેટમાં ભારે મંદી અને લોકો લોન પરત નહી કરી રહ્યા હોવાથી અર્થતંત્રને ભારે ફટકો પડયો હોવાથી સતત બીજા સપ્તાહ ચીને વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો. ચીનના આ પગલાંના કારણે ચીનનું ચલણ યુઆન આજે ડોલર સામે ૬.૮૫૧૮ની બે વર્ષની નીચી સપાટીએ પટકાયું હતું જેની અસર પણ વૈશ્વિક  ચલણ બજાર અને ખાસ કરીને એશીયાઇ બજારોમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની ઉંચી સપાટીએ છે અને તેને ઘટાડવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ સતત વ્યાજના દર વધારી રહી છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં વ્યાજનો દર શૂન્ય સામે વધી ૨.૨૫ ટકાથી ૨.૫૦ ટકા થઇ ગયો છે. સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં પણ વ્યાજનો દર ૦.૫૦ ટકા કે ૦.૭૫ ટકા વધે એવી શક્યતા છે. અમેરિકામાં વ્યાજના દર વધવાની સાથે અર્થતંત્ર મંદ પડશે એવી ધારણાએ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં ફુગાવો ઘટી રહ્યો હોવાના સંકેત વચ્ચે શેરબજાર વધ્યા હતા પણ ફેડરલ રિઝર્વ ગવર્નર જેરોમ પોવેલ અને સેન્ટ લુઈના ફેડરલ રિઝર્વ પ્રેસિડેન્ટ જેમ્સ બુલાર્ડના મતે હજુ પણ વ્યાજ દર આક્રમક રીતે વધવા જોઈએ એવું નિવેદન કરતા ફરી શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઊંચા વ્યાજના દર અને શેરબજારમાં વેચવાલીના લીધે રોકાણકારો હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા હોવાથી ડોલર વધી રહ્યો છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ આજે ૧૦૯.૦૬ની સપાટીએ છે. ડોલર ઇન્ડેક્સ વિશ્વના છ અગ્રણી ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરે છે.

ચલણના ભાવ

એક ડોલરના

રૂ. ૭૯.૮૭

એક યુરોના

રૂ. ૭૯.૩૩

ડોલર સામે યુરો

૦.૯૯૩૧

ડોલર ઇન્ડેક

૧૦૯.૦૬


કોરોના કાળે બ્રિટનના અર્થતંત્રને જબરજસ્ત ફટકો માર્યો

યુકેનું અર્થતંત્ર 2020માં 11 ટકા સંકોચાયું : 300 વર્ષનો ખરાબ દેખાવ

- બ્રિટનના અર્થતંત્રએ 1709ના ગ્રેટ ફ્રોસ્ટ અને પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો અત્યંત નબળો દેખાવ નોંધાવ્યો

યુકેએ ૨૦૨૦માં કોરોનાનો સામનો કર્યો ત્યારે તેના અર્થતંત્રએ ૩૦૦ વર્ષમાં સૌથી ખરાબ દેખાવ નોંધાવતા તે ૧૧ ટકા સંકોચાયું હતું. યુકેના અર્થતંત્રએ ૧૭૦૯ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. પહેલા બે વિશ્વયુદ્ધમાં પણ તેનું અર્થતંત્ર આટલું ઘટયું ન હતું. વિશ્વના બીજા કોઈપણ અગ્રણી અર્થતંત્રમાં તેનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના જણાવ્યા મુજબ ૨૦૨૦મા તેનો જીડીપી ૧૧ ટકા ખાબક્યો હતો. ૧૭૦૯ પછીનો આ સૌથી મોટો ઘટાડો હતો. 

બ્રિટનના આંકડાશાસ્ત્રીઓ નિયમિત રીતે આંકડા જારી કરતાં રહે છે. તેના લીધે વધુને વધુ ડેટા ઉપલબ્ધ હોય છે. ઓએનએસના પ્રારંભિક અંદાજે સૂચવ્યું છે કે ૨૦૨૦માં બ્રિટને ૧૭૦૯ના ગ્રેટ ફ્રોસ્ટ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. પણ ઓએનએસના સુધારેલા આંકડા ધર્શાવતા હતા કે ૧૭૦૯માં આવેલા ગ્રેટ ફ્રોસ્ટ અને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના ૯.૩ ટકાના ઘટાડા પછી આ સૌથી મોટો ઘટાડો હતો. 

છેલ્લા સુધારા મુજબ બ્રિટનના જીડીપીમાં ઘટાડો જી-સેવનના સાત દેશોમાં સૌથી વધારે હતો. આ ઉપરાંત તાજેતરમાં કરાયેલા સુધારાના લીધે તે સ્પેને ૧૦.૮ ટકાના નોંધાવેલા ઘટાડાને પમ અતિક્રમી ગયું હતું. જો કે ઓએનએસ દ્વારા અન્ય દેશો અને તેમા પણ ખાસ કરીને અમેરિકા સાથે તુલના કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાને તે અપવાદ માને છે. હજી સુધી આ અંગે તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. 

જીડીપીમાં આ નવા સુધારાના લીધે તે જોવા મળ્યું છે કે હેલ્થકેર અને રિટેલ સેક્ટરે અપેક્ષા કરતાં ઓછું પ્રદાન કર્યુ હતુ. હેલ્થકેર સર્વિસે અપેક્ષા કરતાં વધારે ઊંચો ખર્ચ વહન કરવો પડયો હતો. આમ અર્થતંત્રમાં તેમનું પ્રદાન ઓછું હતું, એમ અર્થશાસ્ત્રી ક્રેગ મેકલેરેને જણાવ્યું હતું. અહીં ઓએનએસે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવતી રુટિન સર્વિસની સાથે કોવિડ-૧૯ના દર્દીઓને પૂરી પાડવામાં આવતી સર્વિસ પણ ધ્યાનમાં લીધી છે. 

Tags :