For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમૃતકાળનું પહેલું ચૂંટણીલક્ષી બજેટ : રાહતનો આભાસ

Updated: Feb 1st, 2023


- ધીમા પડી રહેલા અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા નિર્મલા સીતારામનનું રૂ.45.03 લાખ કરોડનું જંગી બજેટ 

- રાજસ્થાન માટે બજેટમાં બાજરો અને કર્ણાટકને રૂ.5300 કરોડની સહાયની જાહેરાતથી મતઆકર્ષણ ઉભું કરવા પ્રયાસ

- દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન ભાવે 15.4 ટકાથી ઘટી 10.5 ટકા રહેવાની ધારણા

- બજેટમાં નાણાખાધ ઘટી 5.9 ટકા રહે, બજારમાંથી રૂ.15.4 લાખ કરોડ ઉભા કરવા ફરજ પડશે

- ડીસઇન્વેસ્ટમેન્ટ શબ્દનો બજેટ ભાષણમાં ઉલ્લેખ નહી છતાં સરકારની રૂ.51,000 કરોડ ઉભા કરવાની નેમ

અમદાવાદ : રૂ.૪૫,૦૩,૦૯૭ કરોડના એટલે કે માથાદીઠ રૂ.૩૧,૯૯૧નો વર્ષ ૨૦૨૩-૨૪નો ખર્ચ કરવાના અંદાજ સાથે નાણામંત્રીએ અમૃતકાળની પ્રથમ બજેટ આજે સંસદ સમક્ષ રજૂ કર્યું હતું. ગરીબોને રોટી, યુવાનોને નોકરી કે રોજગારીની તક, મહિલાઓને સુરક્ષા, બચત અને સાહસિકતા,        

ઉદ્યોગો અને વેપારને રોકાણની તક અને ભવિષ્યમાં ભારત દેશ પ્રદુષણ મુક્ત હવામાં રહેતો હશે એવા સપનાં સાથે રજૂ થયેલું આ બજેટ જોકે વર્તમાન સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લું અને આ વર્ષે નવ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી બન્યું હોય 

તેવું હતું.સરકારે ચોક્કસ વર્ગ ઉપર પરોક્ષ રીતે ટેક્સમાં વધારો કર્યો હતો અને સમાન્ય માનવીને રાહત આપી હોવાનો ભાવ ઉભો કર્યો છે. બીજી તરફ, યોજના અને ખાતાકીય ફાળવણીમાં આવનારી ચૂંટણીઓની અસર ચોક્કસ જોવા મળી રહી છે.

સમગ્ર બજેટમાં ભારત સરકારના છેલ્લા દોઢ દાયકાના બજેટમાં અને સરકારી ફંડ્ માટેનો સૌથી મોટો સ્ત્રોત એવા ડીસઇન્વેસ્ટમેન્ટ અંગે એક શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી. કોરોના કાળ દરમિયાન સરકારી મિલકતોનું વેચાણ કરી તેને ખાનગી હાથોમાં સોંપવાની એક એસેટ મોનેટાઈઝેશન સ્કીમ પણ જાહેર થઇ હતી છતાં તેનો ઉલ્લેખ પણ બજેટના ભાષણમાં જોવા મળ્યો નથી. સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપશે એવો કોઈ સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માંગતી નથી. દેશનું અર્થતંત્ર વર્તમાન ભાવે ૨૦૨૨-૨૩માં ૧૫.૪ ટકાના દરે અને સ્થિર ભાવે ૭ ટકાના દરે વૃદ્ધિ પામે એવો અંદાજ છે. અગામી વર્ષમાં બજેટ દસ્તાવેજો અનુસાર દેશનો વૃદ્ધિ દર વર્તમાન ભાવે ૧૦.૫ ટકા વળશે. આર્થિક સર્વે અનુસાર વાસ્તવિક વૃદ્ધિ ૬ થી ૬.૮ ટકા રહે એવી શક્યતા છે. બન્ને સ્થિતિમાં અર્થતંત્ર વૈશ્વિક પડકાર વચ્ચે ધીમું પડે એવી ગણતરી હોવાથી નાણામંત્રી જંગી ખર્ચ કરી શકે, મોટી યોજનાઓ લાવી શકે કે લ્હાણી કરે એવી શક્યતા હતી નહી. આ સ્થિતિમાં કેટલીક યોજનાઓના ખર્ચમાં કાપ મૂકી, અન્યત્ર રકમની ફાળવણી કરી બજેટને સમતોલ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વાજપેયી સરકારના સમયમાં ૧૯૯૯માં વિચારાધીન અને ૨૦૦૧થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા નેશનલ હાઈવે પ્રોજેક્ટમાંથી એક એવા રૂ.૫,૮૪૬ કિલોમીટર લાંબા સુવર્ણ ચતુષ્કોણ પ્રોજેક્ટ પછીના દરેક બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચ - રોડ, રેલ, પોર્ટ, એરપોર્ટ જેવી માળખાકીય સગવડો, મકાન, આરોગ્ય અને શિક્ષણ માટેની સામાજિક સગવડો - કેન્દ્રસ્થાને રહી છે. ડો. મનમોહન સિંઘની સરકારમાં ભારત નિર્માણ અને જવાહરલાલ નેહરુ અર્બન  રીન્યુએબલ મિશન અને પછી મોદી સરકારમાં આવાસ યોજનાઓ, સ્માર્ટ  સિટી, એરપોર્ટનો દેશભરમાં વિસ્તાર એવી યોજનાઓ અમલમાં આવે છે. આ પ્રણાલી રૂ.૧૦ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ સાથે નાણામંત્રી નિર્મલા સીતારામને જાળવી રાખી છે. કર્ણાટક રાજ્યમાં આ વર્ષે ચૂંટણી છે અને ત્યાના મધ્ય ભાગમાં દુષ્કાળ વારંવાર પડતો રહે છે. એટલે અપર ભદ્ર પ્રોજેક્ટ માટે સરકારે રૂ.૫,૩૦૦ કરોડની કેન્દ્ર સરકારની નાણા સહાયની જાહેરાત કરી ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું. બીજું, રાજસ્થાન, તેલંગાણા અને છતીસગઢની ચૂંટણીને લક્ષ્યમાં રાખી જાહેરાત કરી હતી. શ્રી અન્ન કે જુવાર, બજારો, રાગી, સામો જેવા ધાન્યના ઉત્પાદનમાં વધારે ઉપજ કે ઉત્પાદકતા મળે, સારી વેરાઈટીના બીજ મળે એના માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ  ઓફ મીલેટ રીસર્ચને સેન્ટ્રલલ ઓફ એક્સેલન્સનો દરરજો આપવાની જાહેરાત થઇ હતી. રાજસ્થાન દેશના ૫૦ ટકા આવા ધાન્યનું ઉત્પાદક છે એટલે હવે આ દિશામાં કેન્દ્ર સરકાર નવું શું કરશે એ જોવાનું રહ્યું. આધ્ર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોના કાંઠળ વિસ્તારમાં મત્સ્યોદ્યોગ વિકસ્યો છે આ ક્ષેત્રના વિકાસ માટે રૂ.૬,૦૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં કરરાહતો શરતોને આધીન છે. ખુબ જ ધનિકો ઉપરના ટેક્સનો સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે તો સામે તેમની મિલકતના વેચાણની કિંમત રૂ.૧૦ કરોડથી વધે તો બાકીના નફા ઉપર તેમણે ટેક્સ ભરવાનો છે. તેમના વિદેશ અભ્યાસ ઉપર ટેક્સ તો ઇન્સ્યુરન્સના નફાની આવક ઉપર પણ ટેક્સ લાદવામાં આવ્યો છે. રૂ.૭ લાખ સુધીની વ્યક્તિગત આવકને કરમુક્ત કરવાની જાહેરાત છે પણ તેના માટે કરદાતાએ હાઉસિંગ લોન વ્યાજ, રોકાણ ઉપર મળતી રાહત કે ઇન્સ્યુરન્સ પ્રીમીયમની રીબેટ જતી કરવાની શરત મુકવામાં આવી છે. એટલું જ નહી આગામી દિવસોમાં કરરાહત કે રીબેટ કે મુક્તિ વગરની નવી ટેક્સ સીસ્ટમ જ અમલમાં રહેશે એવી વાત પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આવક કરતા ખર્ચ વધારે છે. બજેટ ૨૦૨-૨૩ના સુધારેલા અંદાજ અનુસાર નાણા ખાધ જીડીપીના ૬.૪ ટકા અને ૨૦૨૩-૨૪માં તે ૫.૯ ટકા કે રૂ.૧૭,૬૮,૮૧૬ કરોડ રહે તેવું અનુમાન છે. કેન્દ્ર સરકાર આ વર્ષે કુલ   રૂ. ૨૩.૩૦ લાખ કરોડ કરવેરા તરીકે ઉભા કરશે એવો અંદાજ છે. નાણાકીય ખાધ પૂર્ણ કરવા માટે સરકાર ડીસઇન્વેસ્ટમેન્ટ થકી એટલે કે સરકારી કમ્પનીઓમાં હિસ્સો વેચી રૂ.૫૧,૦૦૦ કરોડ એકત્ર કરવાની છે. દેવાના સ્વરૂપે કેન્દ્ર સરકાર કુલ રૂ.૧૫.૪ લાખ કરોડ રહેશે. આ ઉપરાંત, સરકાર બજાર સિવાય એટલે કે નાની બચત યોજનાઓમાંથી પણ રૂ. ૪.૭૧ લાખ કરોડ ઉભા કરશે.

આ બજેટથી વિકસિત ભારતનું સપનું પૂરુ થશે 

ગામ, ગરીબ, ખેડૂતોનું ધ્યાન રખાયું, મધ્યમવર્ગની આશાઓનું બજેટ : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટના વખાણ કર્યા હતા. તેમણે આ બજેટને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવા માટે મજબૂત પાયાનું નિર્માણ કરશે. બજેટ વંચિતોને મદદરૂપ થનારુ છે. ગામ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ દરેકના સપનાને પુરા કરે છે. તેઓએ નિર્મલા સીતારમણ અને તેમની ટીમને આ બજેટ બદલ શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. લુહાર અને કારીગરો જેના સર્જનકર્તાઓની એક લાંબી યાદી છે. આ બજેટમાં પહેલી વખત આ લોકો માટે પ્રોત્સાહન યોજના લાવવામાં આવી છે. દેશના કરોડો વિશ્વકર્માઓ માટે ક્રેડિટ, માર્કેટ અને સ્કિલ ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમ કિસાન દ્વારા વિશ્વકર્માઓના જીવનમાં બદલાવ લાવવામાં આવશે. 

શહેરોથી લઇને ગામડામાં રહેનારી મહિલાઓ સુધી આ બજેટમાં દરેક તાકાત સાથે આગળ વધવાના પગલા ઉઠાવવામાં આવ્યા છે. જેને જારી રાખવામાં આવશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે મહિલા સેલ્ફ ગુ્રપના સર્વાંગીણ વિકાસ માટે નવી પહેલ નવો અધ્યાય જોડશે, મહિલાઓ માટે વિશેષ બચત યોજના શરૂ કરવામાં આવશે. જન-ધન યોજના બાદ આ યોજના મહિલાઓને મદદરૂપ થશે. સરકારે સૌથી મોટી અનાજ ભંડારણ યોજના પણ તૈયાર કરી છે. આ મહત્વકાંક્ષી યોજનાથી ખેડૂતોને અને પશુપાલકોને સારો ભાવ મળી રહેશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મિલેટ્સને શ્રી અન્નના નામેથી સંબોધિત કરવુ શાનદાર પહેલ છે. આ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. વડાપ્રધાને ડિજિટલ ઇંફ્રા ફોર એગ્રીકલ્ચર દ્વારા ખેડૂતોની સમસ્યાઓના સમાધાનની કોશીશ કરવાની વાતના વખાણ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે રેલ, રોડથી લઇને જળ માર્ગ સુધી આજે ઇંફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવાની જરૂર છે. આ વખતે ઇંફ્રાસ્ટ્રક્ચર પર ૧૦ લાખ કરોડ રૂપિયાનું ઇંવેસ્ટમેંટ ભારતને નવી ગતી આપશે. 

Gujarat