GSTમાં મોટો ફેરફાર થશે, 4ના બદલે માત્ર 2 જ સ્લેબ હશે, PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ
GST Tax Slab: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી જીએસટીના દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના વિશે વધુ માહિતી આપતાં નાણા મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં જીએસટી સ્લેબ ઘટાડી બે કરવામાં આવશે. હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા એમ કુલ ચાર જીએસટી સ્લેમ લાગુ છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે.
કેન્દ્ર સરકારે જીએસટીના દરોને વધુ સરળ બનાવવા તેમાં સુધારો કરવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરી દીધો છે. જીએસટીના નવા દરો અને સ્લેબમાં ફેરફારોની જાહેરાત દિવાળી સુધી થઈ શકે છે. જેનો સીધો લાભ ખેડૂતો, મહિલાઓ, મધ્યમ વર્ગ સહિતના તમામ લોકોને મળશે. જીએસટી લાગુ થયાના આઠ વર્ષમાં સરકારનું કલેક્શન દરમહિને લગભગ 2 લાખ કરોડથી વધ્યું છે.
આ પણ વાંચોઃ 'આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..' લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો
આ મોટા ફેરફારો થઈ શકે
જીએસટીને વધુ સરળ બનાવવાના ઉદ્દેશ સાથે કાઉન્સિલ ઈનપુટ અને આઉટપુટ ટેક્સ રેટને એક સમાન બનાવવા ઈનવર્ટેડ રેટમાં સુધારો કરી શકે છે. જેથી ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં ઘટાડો થશે. વધુમાં ટેક્સ માળખા સાથે જોડાયેલી પરિભાષાઓ અને નિયમોને સરળ બનાવવામાં આવશે, જેથી ટેક્સ સંબંધિત વિવાદોમાં ઘટાડો થાય. લાંબા સમય સુધી ટેક્સ સ્લેબને જાળવી રાખશે, જેથી ઉદ્યોગોના વિશ્વાસમાં વધારો થાય અને કારોબારમાં સરળતા આવે.
ચારના બદલે બે જીએસટી સ્લેબ કરાશે
હાલ જીએસટીમાં ચાર સ્લેબ છે, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા. જેના બદલે સ્ટાન્ડર્ડ એન્ડ મેરિટના બે સ્લેબ લાગુ કરવામાં આવશે. સ્પેશિયલ રેટ અમુક પસંદગીના ગુડ્સ એન્ડ સર્વિસિઝ માટે લાગુ થશે. વધુમાં કમ્પેસેશન સેસ ઘટાડી રાજકોષિય ખાધની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે. જે જીએસટી માળખાને વધુ તાર્કિક બનાવવામાં મદદરૂપ બનશે.
આગામી મહિને યોજાશે કાઉન્સિલની બેઠક
જીએસટી કાઉન્સિલની આગામી બેઠક આવતાં મહિને યોજાશે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે બે સ્લેબ ધરાવતા જીએસટી સંરચના સ્ટાન્ડર્ડ અને મેરિટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાથે અમુક પસંદગીની ચીજવસ્તુઓ પર સ્પેશિયલ રેટનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી છે કે, જીએસટીમાં સુધારો કરવામાં આવશે. દિવાળી સુધી જીએસટીના રેટમાં ઘટાડો કરાશે. જેથી સામાન્ય માણસ પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈને પણ લાભ મળશે.