EPFO ખાતાધારકોને મોટો ઝટકો આપવાની સરકારની તૈયારી, શું PF ના વ્યાજદરમાં થશે ઘટાડો?
નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન EPFO સરપ્લસને બદલે ખાધમાં
હવે સરકારની મંજૂરી વગર નહીં થઇ શકે જાહેરાત
દેશના કરોડો લોકો કે જે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલ છે, જેના માટે PFએ ખૂબ જ મહત્વની બાબત ગણવામાં આવે છે કારણ કે PF પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે અને તેના પર ઇન્કમટેક્ષ પણ બાદ પણ મળે છે. જોકે, આ ખરબથી દેશના સાડા છ કરોડ PF ખાતાઘારકોને ઝટકો લાગી શકે છે. આવનારા દિવસોમાં PF પર મળતા વ્યાજની રકમમાં ઘટાડો થઇ શકે છે. જેના લીધે PF ખાતાઘારકો પર મોટી અસર થઇ શકે છે.
PF વ્યાજ દરમાં ઘટાડો કરવા પર વિચાર
એક અહેવાલના જણાવ્યા મુજબ, RTI દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે સરકાર PF વ્યાજ દરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી છે. કારણ કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન EPFO ને નફો થવાના અનુમાન પછી પણ ખોટ ગઈ હતી.
EPFO સરપ્લસને બદલે ખાધમાં
નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, એવો અંદાજ હતો કે EPFO પાસે 449.34 કરોડ રૂપિયા સરપ્લસ હશે, જ્યારે તેની વિપરીત અસર થઇ અને EPFO માં 197.72 કરોડ રૂપિયા ખાધ જોવા મળી છે. તે પછી, PF પર આપવામાં આવતા વ્યાજ દરો પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે આ સમાચારની હજુ સુધી સરકાર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
હવે સરકારની મંજૂરી વગર નહીં થઇ શકે જાહેરાત
આ મામલે સરકારે વધુ એક નિર્ણય લીધો છે. EPFO વિભાગ શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. હવે EPFO નાણાં મંત્રાલયની મંજૂરી વિના PF પર વ્યાજ દરો અંગે કોઈ જાહેરાત કરશે નહીં. અત્યાર સુધી સિસ્ટમ એવી છે કે EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) નાણા મંત્રાલયની મંજૂરી પહેલા વ્યાજ દરોની માહિતી આપતા હતા. જયારે હવે સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ લોકો PF પર વ્યાજ સંબંધિત માહિતી મેળવી શકશે. નિયમો અનુસાર, હવે PF પર વ્યાજ દરમાં બદલાવ માટે EPFO દ્વારા મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. મંત્રાલયની મંજૂરી બાદ આંકડા જાહેર કરવામાં આવશે. નિષ્ણાતો આ નિર્ણયને વ્યાજ દરમાં ઘટાડા સાથે જોડી રહ્યા છે.
વ્યાજ દરો ઘટાડા પાછળનું કારણ શું?
સરકારે PF પર આપવામાં આવતા વ્યાજ દરો પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કેમ લીધો તેની પાછળનું મુખ્ય કારણએ છે કે હાલમાં PF પર મળતું વ્યાજ તમામ નાની બચત યોજનાઓમાં સૌથી વધુ છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં જ ઊંચા વ્યાજની જોગવાઈ છે, જેમાં વાર્ષિક 8.20 ટકા વ્યાજ છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત તમામ નાની યોજનાઓમાં વ્યાજ દરો PF કરતા ઘણા ઓછા છે. આ કારણોસર, નાણાં મંત્રાલય લાંબા સમયથી PFના વ્યાજને 8 ટકાથી નીચે લાવવાની હિમાયત કરી રહી છે.
PF પરના વ્યાજ દરમાં વર્ષોથી સતત ધટાડો
- નાણાકીય વર્ષ 2015-16માં PF પર વ્યાજ દર 8.80 ટકા
- નાણાકીય વર્ષ 2018-19માં PF પર વ્યાજ દર 8.55 ટકા
- નાણાકીય વર્ષ 2019-20માં PF પર વ્યાજ દર 8.50 ટકા
- નાણાકીય વર્ષ 2020-21માં PF પર વ્યાજ દર 8.50 ટકા
- નાણાકીય વર્ષ 2021-22માં PF પર વ્યાજ દર 8.10 ટકા
- નાણાકીય વર્ષ 2022-23માં PF પર વ્યાજ દર 8.15 ટકા ( થોડો વધારો જોવા મળ્યો)