Mis Selling: નવી દિલ્હીમાં મળેલી રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્ર અને વૈશ્વિક વેપારને મહત્વના નિવેદન આપ્યા છે. નાણામંત્રીએ બેંકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, બેંકોએ પોતાનું પૂરું ધ્યાન લોન આપવા અને ડિપોઝિટ એકત્ર કરવા (જમા લેવા) જેવા મૂળભૂત કાર્યો પર જ કેન્દ્રિત કરવું જોઈએ. મિસ-સેલિંગની પ્રવૃત્તિ સરકાર અને RBI નહીં ચલાવી લે.
'મિસ-સેલિંગ'ની પ્રવૃત્તિ ગુનો
ખાસ કરીને લોન લેવા આવતા ગ્રાહકોને બિનજરૂરી વીમા પોલિસીઓ પધરાવી દેવાની એટલે કે 'મિસ-સેલિંગ'ની પ્રવૃત્તિને તેમણે ગુનો ગણાવ્યો છે. સીતારમણે ટકોર કરી કે જો કોઈ ગ્રાહક પાસે પૂરતી ગેરંટી હોય, તો તેને વધારાનો વીમો લેવા માટે મજબૂર ન કરવો જોઈએ. તેમણે બેંકોને કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ (CASA)માં વધારો કરવા પર ભાર મૂકવા સૂચન કર્યું છે.
'ઉદ્યોગ મંત્રાલય ઝીણવટભરી નજર'
બીજી તરફ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નવી ટેરિફ નીતિઓ અંગે નાણામંત્રીએ કહ્યું છે કે, 'કોઈ પણ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે કારણે કે તેના પર વેપાર અને ઉદ્યોગ મંત્રાલય ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. ભારત પોતાના વ્યાપારી હિતોને સુરક્ષિત રાખવા માટે વિવિધ દેશો સાથે ચર્ચાઓ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે વેપાર કરાર કરી ચૂક્યું છે, ભારત આગળ પણ વૈશ્વિક બજારો સાથે જોડાઈ અર્થવ્યવસ્થા વધુ મજબૂત કરવામાં માંગે છે'. મહત્વનું છે કે US સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર 15 ટેરિફની જાહેરાત કરી છે. જેથી અનેક દેશો મુંઝવણમાં મુકાયા છે.
સોનાના ભાવ ચિંતાજનક સ્તર સુધી નથી પહોંચ્યા
સોનાના વધતા ભાવ અંગે પણ નાણામંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી હોવાથી કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ જે પ્રમાણે ભાવ વધ્યા છે તે ચિંતાજનક સ્તર સુધી નથી પહોંચ્યા. ભારતીય પરિવારો હંમેશા સોનામાં રોકાણ કરવામાં માંગે છે. તહેવાર અને લગ્ન પ્રસંગોમાં બજારમાં સોનાની માંગ હંમેશા રહેતી હોય છે, સરકાર અને RBI માર્કેટ પર નજર રાખી રહ્યા છે.'


