Get The App

AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

- ગયા મહિને વિદેશી રોકાણકારો દ્વારા રૂપિયા ૧૬૯૪૯ કરોડના આઈટી શેરોનું વેચાણ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ 1 - image

મુંબઈ : દેશના ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં  વિદેશી  સંસ્થાકીય રોકાણકારો  (એફઆઈઆઈ)નો આઉટફલો ફેબુ્રઆરીમાં વધી સાત મહિનાની ટોચે રહ્યો હતો. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે સૂચિત ખલેલથી આઈટી કંપનીઓની આવક પર અસર પડવાની શકયતાને ધ્યાનમાં રાખી  વિદેશી રોકાણકારો આઈટી કંપનીઓમાં પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે.

ગયા મહિને વિદેશી રોકાણકારોએ એકંદર રૂપિયા ૧૬૯૪૯ કરોડના મૂલ્યના આઈટી શેરોનું વેચાણ કર્યું છે. એફઆઈઆઈની જોરદાર વેચવાલીને પરિણામે આઈટી ઈન્ડેકસ ૧૯.૫૦ ટકા જેટલો ઘટી ગયો હતો, જે સપ્ટેમ્બર, ૨૦૦૮ બાદ કોઈ એક મહિનામાં તેની સૌથી ખરાબ કામગીરી રહી છે.

૨૦૦૮માં વૈશ્વિક નાણાંકીય કટોકટીએ સંપૂર્ણ વિશ્વની ઈક્વિટી બજારોને હચમચાવી નાખી હતી. 

એન્થ્રોપિક તથા પાલનટીર દ્વારા એઆઈ ઓટોમેશનમાં મહત્વની માહિતી  બહાર પડાયા બાદ ફેબુ્રઆરીમાં આઈટી ઈન્ડેકસમાંની ૧૦ ઘટક કંપનીઓની માર્કેટ કેપમાં ૬૨.૮૦ અબજ ડોલરનું ધોવાણ થયું છે. 

૨૦૨૫માં  વિદેશી રોકાણકારોએ રૂપિયા ૭૫૦૦૦ કરોડના આઈટી સ્ટોકનું ઓફ્ફલોડિંગ કર્યું હતું. નબળા પરિણામોને કારણે આ વેચવાલી આવી પડી હતી. 

એઆઈ ટુલ્સની શોધમાં ઝડપ સહિતના વિવિધ પડકારોનો આઈટી ક્ષેત્ર સામનો કરી રહ્યું છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ભારતના આઈટી સ્ટોકસમાં એફપીઆઈનું આકર્ષણ ફરી વધારવા દેશની આઈટી કંપનીઓ તથા વૈશ્વિક એઆઈ આગેવાનો વચ્ચે રચનાત્મક સહયોગ ઊભો થવો જરૂરી છે, જે તાજેતરમાં ઈન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચે થયો છે.

એક તરફ આઈટી શેરોમાં વેચવાલી જ્યારે બીજી બાજુ કેપિટલ ગુડસ, ફાઈનાન્સિઅલ, મેટલ્સ તથા ઊર્જા શેરોમાં વિદેશી રોકાણકારોની ગયા મહિને લેવાલી જોવા મળી છે.અમેરિકા તથા ભારત વચ્ચે સૂચિત વેપાર કરારને લઈને વિદેશી રોકાણકારો  દેશની ઈક્વિટીસમાં ફરી સક્રિય બન્યા છે.