Get The App

ઈક્વિટીમાં FIIનો હિસ્સો ઘટી 13 વર્ષના તળિયે

- વિદેશી રોકાણકારોનું અમેરિકા તથા ચીન સહિતના દેશોની ઈક્વિટીમાં રોકાણ

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
ઈક્વિટીમાં FIIનો હિસ્સો ઘટી 13 વર્ષના તળિયે 1 - image


મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નો ભારતીય ઈક્વિટીસમાં હિસ્સો ગયા મહિને ઘટી ૧૩ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૧૫.૮૫ ટકા રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વિદેશી રોકાણકારોની ઈક્વિટી એસેટસનો આંક ઓગસ્ટમાં રૂપિયા ૭૦.૩૩ લ ાખ કરોડ રહ્યો હતો જે જુલાઈમાં રહેલા રૂપિયા ૭૧.૯૭ લાખ કરોડની સરખામણીએ ૨.૩૦ ટકા ઘટી ગયો હતો એમ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂપિયા ૧.૭૦ લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. જો કે  ભારતના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી૫૦ આ ગાળામાં મક્કમ રહ્યા છે ચાર ટકા જેટલા વધ્યા છે.

બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો જૂન ત્રિમાસિકના અંતે વધી ૧૭.૮૨ ટકા પહોંચી ગયો હતો. જૂન ત્રિમાસિકમાં તેમણે રૂપિયા ૫.૨૦ લાખ કરોડ ઠાલવ્યા હતા. 

વર્તમાન વર્ષના માર્ચમાં જ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વિદેશી રોકાણકારો કરતા વધી ગયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચેના અંતરમાં વધારો થતો જાય છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી રહેતા દેશની ઈક્વિટી બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે. 

દેશની ઈક્વિટીના ઊંચા મૂલ્યાંકનો, અમેરિકાના ટેરિફની ચિંતાઓ, મંદ પડી રહેલા કોર્પોરેટ અર્નિંગ્સ તથા ભારતીય ઈક્વિટીસની સરખામણીએ અમેરિકા, યુરોપ તથા ચીનની ઈક્વિટીસના પ્રમાણમાં નીચા મૂલ્યાંકનોને કારણે વિદેશી રોકાણકારોનું તે તરફ પલાયન થયું છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

વિદેશી રોકાણકારોની ખરીદીને પગલે અમેરિકા, ચીન, જાપાન તથા જર્મનીમાં રિકવરીને પરિણામે છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક માર્કેટ કેપ ૧૫.૮૨  ટ્રિલિયન ડોલર જેટલી  વધી છે.

ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ  ભારતમાં રૂપિયા ૨૩૩૦૦ કરોડ સાથે  સૌથી વધુ ઓફ્ફલોડિંગ નાણાંકીય સેવા ક્ષેત્રની ઈક્વિટીસમાં કર્યું છે. રૂપિયા ૧૧૨૮૫ કરોડ સાથે બીજા ક્રમે આઈટી અને રૂપિયા ૬૧૦૦ કરોડ સાથે ત્રીજા ક્રમે ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની ઈક્વિટીસ રહી હોવાનું પ્રાપ્ત ડેટા પરથી સ્પષ્ટ થાય છે.

બીજી બાજુ ટેલિકોમ, બાંધકામ સામગ્રી, ઓટો તથા કેપિટલ ગુડસ તેમના પસંદગીના ક્ષેત્રો રહ્યા છે. જીએસટીમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ફરી ભારતીય ઈક્વિટીસ તરફ વળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


Tags :